લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં વાર્ષિકોત્સવ સાથે યોજાયેલ નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્યનાં મર્મજ્ઞ વસંતભાઈ ગઢવીએ કહ્યું કે, લોક શાશ્વત છે, માટે લોકસાહિત્ય શાશ્વત છે.
ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સંસ્થાનો વાર્ષિકોત્સવ મહાનુભાવો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. આ પ્રસંગે નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા નાં બાંસઠમાં મણકાનું વ્યાખ્યાન લોકસાહિત્યનાં મર્મજ્ઞ તથા સનદી અધિકારી રહેલાં વસંતભાઈ ગઢવી દ્વારા ‘લોકસાહિત્યમાં જીવન મૂલ્યો’ વિષય પર પ્રસ્તુત થયું.
વસંતભાઈ ગઢવીએ લોકસાહિત્ય અને શાસ્ત્રોનાં મૂલ્યો સાથે જીવન પ્રવાહો પર પ્રકાશ પડતું મનનીય વ્યાખ્યાન આપ્યું અને કહ્યું કે, લોક શાશ્વત છે, માટે લોકસાહિત્ય શાશ્વત છે.
સાહિત્ય અને લોકસાહિત્ય એ સમાજ સાથે વ્યક્તિગત જીવન ઘડતર અને સામાજિક વિકાસમાં મહત્વની ભૂમિકા ધરાવે છે.
ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, કાકાસાહેબ કાલેલકર વગેરેનાં પ્રાસંગિક ઉલ્લેખ સાથેનાં આ વ્યાખ્યાન દરમિયાન તેઓએ કહ્યું કે, સાંપ્રત વૈશ્વિક યુદ્ધ પરિસ્થિતિમાં કોણ જવાબદાર ? આ પ્રશ્ન ચિંતા સાથે શાસ્ત્રો અને સાહિત્યમાં પણ આ સ્થિતિનાં ચિતાર રહ્યાનું ઉમેર્યું. તેઓએ લોકભારતી સંસ્થામાં તીર્થ સ્થાનનું ભાવાવરણ અનુભવાઈ રહ્યાનું સહર્ષ જણાવ્યું. વિદ્યાર્થીઓને અભ્યાસનો હેતુ વ્યક્તિગત કારકિર્દી સાથે થોડો ભાગ સમાજ માટે પણ રાખવા શીખ આપી.
સંસ્થાનાં વડા અરુણભાઈ દવેએ આવકાર પરિચય અને કાર્યક્રમની ભૂમિકા રજૂ કરતાં ગાંધી વિચાર અને નઈ તાલીમ વૈશ્વિક સ્તરે સ્વીકારાયેલ હોઈ નાનાભાઈ ભટ્ટ દ્વારા ભાવનગરથી લઈ ગામડાં માટે કરેલ કેળવણી કાર્યની મહત્તા અંગે ઉલ્લેખ કર્યો. વકતા વસંતભાઈ ગઢવી અધિકારી તરીકે અને સંવેદના સાથે રહેલાં હોવાનું જણાવ્યું.
વાર્ષિકોત્સવ પ્રસંગે નિયામક હસમુખભાઈ દેવમુરારિએ લોકભારતી અને સાથે જોડાયેલ વિભાગ ઉપક્રમોની વિગતોનો નિવેદન અહેવાલ પ્રસ્તુત કર્યો.
લોકભારતી સણોસરામાં આ પ્રસંગ સંદર્ભે આવેલ સંદેશાનું વાચન કાંતિભાઈ ગોઠીએ કર્યું.
વિષય અનુરૂપ ગામઠી વાતાવરણની મંચ સજ્જા સાથેનાં આ વ્યાખ્યાનના સંચાલનમાં પ્રથમ બેઠકમાં નીતિનભાઈ ભીગરાડિયા તથા દ્વિતીય બેઠકમાં પૂજાબહેન પુરોહિત રહ્યાં હતાં.
વ્યાખ્યાન વકતાં વસંતભાઈ ગઢવીને રામચંદ્રભાઈ પંચોળીનાં હસ્તે ચાદર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું. હસમુખભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ સ્મૃતિભેટ અર્પણ કરેલ.
આભાર દર્શન રાજેન્દ્રભાઈ ખીમાણીએ કરતાં આણંદભાવ વ્યક્ત કર્યો.
આ પ્રસંગે પ્રારંભે તથા સમાપને વિવિધ ગાનમાં સંગીતવૃંદ દ્વારા સુંદર પ્રસ્તુતિ માણવા મળી. રાત્રે સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો.