લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ઓડિશાના નબરંગપુર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા ગજવી ઈન્ડિયા ગઠબંધન (I.N.D.I.A. Alliance) પર નિશાન સાધ્યું છે. આ દરમિયાન વડાપ્રધાને ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમના સચિવના નોકરના ઘરે ઈડીના દરોડામાં મળી આવેલ રોકડનો ઉલ્લેખ કર્યો હતો અને જનસભામાં ઉપસ્થિત લોકોને કહ્યું કે, ‘જ્યારે તમે ઘરે જશો, ત્યારે ટીવી જોજો, તેમાં ઝારખંડમાં નોટોનો પહાળ જોવા મળશે. મોદી લોકો દ્વારા ચોરી કરાયેલો માલ પકડાવી રહ્યો છે, તેથી જ ઈન્ડિયા ગઠબંધનના લોકો મોદીને ગાળો આપી રહ્યા છે.’
હું એક પણ રૂપિયો કોઈને ખાવા નહીં દઉં : મોદી
વડાપ્રધાને જનસભામાં ઉમટેલી જનમેદનીને પૂછ્યું કે, ‘શું આ લોકોની ગાળો ખાવા છતાં મારે આવા કામ કરવા જોઈએ કે નહીં? મારે તમારો એક-એક રૂપિયો બચાવવો જોઈએ કે નહીં? હું એક પણ રૂપિયો કોઈને ખાવા નહીં દઉં. જે ખાશે તે જેલમાં જઈને ખાવાનું ખાશે. તેથી જ અમારી સરકારે જનધન ખાતા, આધાર અને મોબાઈલની એવી ત્રિશક્તિ બનાવી છે, જેના કારણે લોકોના પૈસા લૂંટાવાના બંધ થઈ ગયા છે.’
‘પંજો 100માંથી 85 પૈસા લૂંટી લેતો હતો’
તેમણે કહ્યું કે, ‘40 વર્ષ પહેલા એક વડાપ્રધાને ઓડિશા આવી કહ્યું હતું કે, હું દિલ્હીથી એક રૂપિયો મોકલું છું, પરંતુ ગરીબ સુધી માત્ર 15 પૈસા પહોંચે છે. એટલે કે પંજો 100માંથી 85 પૈસા લૂંટી લેતો હતો. તમે મને તક આપી ત્યારે મેં કહ્યું હતું કે, હું એક રૂપિયો મોકલીશ અને તેમાંથી કોઈને એક પૈસો પણ ખાવા નહીં દઉં અને જે ખાશે તે જેલની રોટલી ખાશે.’
ઝારખંડમાં ઈડીની મોટી કાર્યવાહી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઝારખંડના રાંચીમાં ઘણા ઠેકાણાઓ પર સોમવારે દરોડા (ED Raid in Jharkhand) પાડ્યા હતા. આ દરમિયાન ઈડીને રોકડ 20 કરોડ રૂપિયા મલી આવ્યા છે. આ રોકડ ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમના ખાનગી સચિવના નોકરના ઘરેથી મળી આવ્યા છે. એટલું જ નહીં નોકર સંજીવ લાલના ઘરમાંથી અધિકારીઓના ટ્રાન્સફર પોસ્ટિંગ સંબંધીત દસ્તાવેજો પણ મળ્યા છે.