બજેટ 2024 માટે હવે ગણતરીના દિવસો જ બાકી છે અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ બજેટ રજૂ કરશે. એવામાં આ વખતે બજેટમાં કેન્દ્ર સરકાર દેશના એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી શકે છે.
મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ હશે અને આ બજેટ સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. આ તેમનું સાતમું બજેટ હશે. બજેટ રજુ થાય તે પહેલા નોકરિયાત વર્ગ, સરકારી કર્મચારીઓ, ખેડૂતો અને વેપારીઓ તમામને તેનાથી ઘણી અપેક્ષાઓ હોય છે. એવામાં બજેટ પહેલા 8મા પગાર પંચની રચના કરવાની માંગ કરવામાં આવી રહી છે.
આ સાથે જ ઘણી કર્મચારી સમિતિઓએ કેન્દ્ર સરકારને કર્મચારીઓ અને પેન્શનરોના મૂળભૂત પગાર, ભથ્થાં, પેન્શન અને અન્ય લાભોમાં ફેરફાર કરવા માટે આઠમા પગાર પંચની રચના કરવા વારંવાર વિનંતી કરી છે. આ સાથે જ તાજેતરમાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘના મહાસચિવ એસબી યાદવે કેબિનેટ સચિવને પત્ર લખીને 8મા પગાર પંચની રચના કરવાની માંગ કરી હતી.
આટલું જ નહીં એમને જૂની પેન્શન યોજના (OPS)ને પુનઃસ્થાપિત કરવા, કર્મચારીઓ અને પેન્શનરોને 18 મહિનાના મોંઘવારી ભથ્થા (DA)ની ચુકવણી અને કોવિડ-19 રોગચાળા દરમિયાન રોકી રાખેલા રાહત ભંડોળને મુક્ત કરવાની પણ માંગ કરી હતી. અગાઉ, જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (JCM)ની નેશનલ કાઉન્સિલ (સ્ટાફ સાઇડ)એ પણ 8મા પગાર પંચની રચના માટે આગ્રહ કર્યો હતો.
મનમોહન સિંહની સરકારમાં 28 ફેબ્રુઆરી 2014ના રોજ સાતમા પગાર પંચની રચના કરવામાં આવી હતી અને 1 જાન્યુઆરી, 2016થી તે લાગુ કરવામાં આવ્યું હતું. હવે જો દર 10 વર્ષે પગાર પંચની રચના કરવાનો નિયમ છે, તો આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવું જોઈએ, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.