જૂનાગઢ પોલીસે (Junagadh Police) મહિલા PSI પર અભદ્ર ટિપ્પણી કરવાના આરોપ હેઠળ પાંચ શખ્સોની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, આ પાંચેય શખ્સો AAP સમર્થકો (AAP supporters) હતા અને એક વાયરલ થયેલા વિડીયોમાં તેમણે મહિલા PSI માટે અભદ્ર શબ્દો વાપર્યા હતા. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે આ તમામ આરોપીઓને રાજકોટ, સુરત, અમદાવાદ અને જૂનાગઢમાંથી ઝડપી પાડ્યા છે. વધુમાં એક ભાવનગરના શખ્સને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર ઘટનાની શરૂઆત વિસાવદર પોલીસ સ્ટેશન ખાતેથી થઈ હતી. વિસાવદરના AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારી અનાજમાં ગેરરીતિ થતી હોવાના આરોપ લઈને વિસાવદર પોલીસ સ્ટેશનમાં 1 ઑગસ્ટના રોજ હોબાળો કર્યો હતો. આ દરમિયાન મેંદરડાના મહિલા PSI એસએન સોનારા સહિતના અધિકારીઓ તેમને સમજાવવા માટે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. ઇટાલિયાએ આ મામલે ગુનો નોંધવાની માંગ કરી હતી અને બીજી તરફ મામલતદાર અને પોલીસે નિયમસર કાર્યવાહી કરવાની વાત કરી.
આ દરમિયાન જ મેંદરડાના મહિલા PSI સોનારા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા આ વિડીયોમાં પાંચ AAP સમર્થક આરોપીઓએ મહિલા પોલીસ અધિકારીની પ્રશતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. આ બાબતની જાણ થતાં જ જૂનાગઢ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી થઈ ધરપકડ
જૂનાગઢ રેન્જના IG નીલેશ જાજડીયા અને SP ઓડેદરાના આદેશ બાદ આ કેસની તપાસ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને SOGને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના PI પટેલ અને SOGના PI આરબી ગઢવીએ એક ખાસ ટેકનિકલ ટીમ બનાવીને તપાસ શરૂ કરી દીધી હતી. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ટિપ્પણી કરનારા આ પાંચેય આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી અને પોલીસે નામ તથા સરનામાં ટ્રેસ કરીને તાત્કાલિક ટીમો મોકલી હતી. ગણતરીના કલાકોમાં જ રાજકોટ, સુરત, અમદાવાદ અને વિસાવદરના આ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.
પોલીસ પૂછપરછમાં આ પાંચેય આરોપીઓએ કબૂલ્યું છે કે, તેઓ આમ આદમી પાર્ટીના સમર્થકો છે અને તેમણે જાણીજોઈને મહિલા અધિકારીની છબી ખરાબ કરવા માટે આ પ્રકારની ટિપ્પણી કરી હતી. પોલીસે તેમના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓએ અગાઉ પણ અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સામે આવી અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. ધરપકડ કરાયેલા વ્યક્તિઓમાં મનોજ વાઘેલા, અરવિંદ સોંદરવા, વિનોદ કોન્ટ્રાકટર, જેંતી પટેલ અને રમેશ રાદડિયાનો સમાવેશ થાય છે. આ કેસમાં ભાવનગરના એક વકીલ નીરજ ટીમાણીયાની પણ સંડોવણી સામે આવી છે. પોલીસે તેને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.
નોંધનીય છે કે, પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ IT એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે અને આગળની કાર્યવાહી હાલ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું છે કે, ભાવનગરના નીરજ નામના એક શખ્સની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel