કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ટૂંકસમયમાં છેક બેંગ્લુરૂથી અમદાવાદ અને બેંગ્લુરૂથી જગન્નાથપુરી સુધીની બસ કનેક્ટિવિટી શરૂ કરવા જઈ રહી છે. યુરોપિયન સ્ટાઈલથી ડિઝાઈન આ એસી સ્લિપર બસ નવા રૂટ પર અંદાજિત 1500 કિમીનું અંતર આવરી લેશે. ખાનગી ઓપરેટર્સની વધતી હરીફાઈ અને અમદાવાદ-બેંગ્લુરૂની વધતી મુસાફરીની માગના કારણે કેએસઆરટીસીએ આ નિર્ણય લીધો છે. હાલમાં તે મુંબઈ અને શીરડી સુધી 1000 કિમીનું અંતર આવરી લેતો લાંબા રૂટની સેવા આપે છે. કેએસઆરટીસીના મેનેજિંગ ડિરેક્ટર વી. અન્બુકુમારે આ યોજનામાં વોલ્વો બસની ગુણવત્તા, તેના સફળ ટ્રેક રેકોર્ડ વિશે જણાવ્યું હતું.
હાલ ખાનગી ઓપરેટર્સ બેંગ્લુરૂથી અમદાવાદ, ઈન્દોર, ભોપાલ, જયપુર, જોધપુર, જેસલમેર સહિત વિવિધ રૂટ પર બસ સેવા આપી રહ્યા છે. જેમાં સૌથી લાંબો રૂટ 2000 કિમીનો જેસલમેરનો છે. ઉલ્લેખનીય છે કે, બેંગ્લુરૂથી પુરી સુધી સીધી બસ સેવા ન હોવાથી આ રૂટ પર વધતી શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાનમાં લેતાં બસ સેવા શરૂ કરાશે.