કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે જણાવ્યું હતું કે, સરકાર જન્મ અને મૃત્યુના ડેટાને મતદાર યાદી અને સમગ્ર વિકાસ પ્રક્રિયા સાથે જોડવા માટે સંસદમાં બિલ લાવવાની યોજના બનાવી રહી છે. શાહે નવી દિલ્હીમાં સેન્સસ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે, મોદી સરકાર હવે વસ્તી ગણતરી ઈલેક્ટ્રોનિક રીતે કરશે, જેમાં દરેક વ્યક્તિને ડેટા ભરવાનો અધિકાર રહેશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ઘણા વર્ષોથી આપણા દેશનો વિકાસ માંગ આધારિત અને ટુકડે-ટુકડે કરવામાં આવ્યો હતો. જો આટલી મોટી ભૌગોલિક વિવિધતા ધરાવતા દેશમાં સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસ કરવો હોય તો વિકાસનું આયોજન ડેટા પર આધારિત હોય તે ખૂબ જ જરૂરી છે અને ડેટા માટે આપણી પાસે વસ્તી ગણતરી સિવાય બીજું કોઈ માધ્યમ નથી. નવી વસ્તી ગણતરી સર્વસમાવેશક વિકાસનો આધાર હશે.
શાહે કહ્યું કે, અગાઉની વસ્તી ગણતરી સચોટ આંકડાઓ આપતી ન હતી. વસ્તી ગણતરીના આયોજન અને વિકાસ વચ્ચે કોઈ કડી ન હતી. મોદી સરકાર હવે ઈલેક્ટ્રોનિક રીતે વસ્તી ગણતરી હાથ ધરશે, જેમાં દરેક વ્યક્તિને ડેટા ભરવાનો અધિકાર હશે. તેની ચકાસણી અને ઓડિટ કરવામાં આવશે. તે સામાજિક-આર્થિક સ્થિતિના 35 થી વધુ પરિમાણોને આવરી લે છે. અગાઉની વસ્તીગણતરીમાં વિકાસ માટે જે ડેટા ઉપલબ્ધ હોવો જોઈતો હતો તે ન હતો અને તેના વિશ્લેષણ માટેની કોઈ વ્યવસ્થા પણ ન હતી.