મહાકુંભના અવસરે સંઘ કાર્યકર્તાઓ (સક્ષમ) દ્વારા “નેત્ર કુંભ”નું આયોજન કરવામાં આવ્યું.
સંઘની પર્યાવરણ ગતિવિધિ દ્વારા મહાકુંભના અવસરે “એક થાળી એક થેલા અભિયાન”
મણિપુરની અશાંત પરિસ્થિતીમાં સંઘ અને સંઘ પ્રેરિત સામાજિક સંગઠનો દ્વારા રાહત કાર્ય
બાંગ્લાદેશના હિંદુ સમાજ સાથે એકજુટતાથી સાથે ઊભા રહેવાનું આહ્વાન.
સંઘ શતાબ્દી વર્ષ નિમિતે સંકલ્પ “વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ માટે, સમરસ અને સંગઠિત હિન્દુ સમાજનું નિર્માણ”
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બંગલુરુ ખાતે 21-23 માર્ચ 2025 દરમિયાન યોજાઈ ગઈ. આ પ્રતિનિધિ સભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત, સરકાર્યવાહ મા. દત્તાત્રેય હોસબાલે, તમામ છ સહ સરકાર્યવાહ સહિત વિવિધ સંગઠનોના 1482 કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
બેઠકની શરૂઆત ભારતમાતાને પુષ્પાંજલી અને દિપ પ્રાગટ્યથી થઈ. ત્યારબાદ સમાજજીવનના અન્યાન્ય ક્ષેત્રોમાં અગ્રેસર રહેલા મહાનુભાવો જેમનું અવસાન થયું હતું એ તમામ ને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. જેમાં સ્વામી પ્રણવાનંદ તીર્થપાદર, પૂર્વ પ્રધાન મંત્રી ડૉ.મનમોહન સિંહ, ઉસ્તાદ ઝાકિર હુસૈન, શ્રી શ્યામ બેનેગલ, શ્રી પ્રિતેશ નંદી, વિશ્વ હિન્દુ પરિષદના શ્રી કામેશ્વર ચૌપાલ, પૂ. સિયારામ બાબા, પૂ. સંત સુગ્રીવાનંદજી મહારાજ સહિત બીજા મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
સંઘકાર્ય સ્થિતિ : વર્તમાનમાં સંઘની કુલ 83129 દૈનિક શાખાઓ છે. ગયા વર્ષથી અત્યાર સુધીમાં 10,000 શાખાઓનો વધારો થયો છે. સાપ્તાહિક મિલનની સંખ્યા 32147 છે, જેમાં ગયા વર્ષ કરતાં 4430 સાપ્તાહિક મિલનનો વધારો થયો છે. સંઘ મંડળીની સંખ્યા 12,091 છે.
સેવાકાર્ય સ્થિતિ : દેશભરમાં 89,706 સેવાકાર્યો ચાલી રહ્યા છે. જેમાથી 40,920 શિક્ષાના ક્ષેત્રમાં, 17,461 ચિકિત્સા સેવા, 10,779 સ્વાવલંબનના ક્ષેત્રમાં અને 20,546 સામાજિક જાગરણ સંબંધિત ગતિવિધિ ચાલી રહી છે.
ગુજરાતમાં સંઘકાર્ય સ્થિતિ : ગુજરાતમાં વર્તમાનમાં 1747 દૈનિક શાખા, 1482 સાપ્તાહિક મિલન તથા 839 સંઘમંડળ છે. આ શાખાઓમાં 60 ટકા વિદ્યાર્થીઓ અને 40 ટકા વ્યવસાયિક શાખાઓનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં સેવાકાર્ય : ગુજરાતમાં વર્તમાનમાં કુલ 2568 સેવાકાર્યો ચાલી રહ્યા છે.
પ્રતિનિધિ સભામાં પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર ચર્ચા દરમિયાન કહેવામાં આવ્યું કે મહાકુંભ હિન્દુ સમાજનું ગૌરવ વધારનાર, આત્મવિશ્વાસ જગાડવાવાળો તથા અવિસ્મરણીય રહ્યો. કરોડો શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કરી ઇતિહાસ બનાવ્યો.
મહાકુંભના અવસરે સંઘ કાર્યકર્તાઓ (સક્ષમ) દ્વારા નેત્ર કુંભ નું આયોજન કરવામાં આવ્યું જેમાં 2,37,964 લોકોની આંખોની તપાસ કરવામાં આવી, 1,63,652 નિ:શુલ્ક ચશ્મા વિતરણ, 17,069 મોતિયાબિંદ ઓપરેશન કરવામાં આવ્યા. કુલ 53 દિવસના આ સેવાકાર્યમાં 300 થી વધુ નેત્ર ચિકિત્સક અને 2800 કાર્યકર્તાઓએ સેવા આપી.
સંઘની પર્યાવરણ ગતિવિધિ દ્વારા સમાજના અનેક સંગઠન અને સંસ્થાઓના સહયોગથી પ્લાસ્ટિકના વિકલ્પરૂપે એક થાળી એક થેલા અભિયાન ચલાવવામાં આવ્યું જે ખુબ જ સફળ રહ્યું. આ અભિયાન અંતર્ગત કુલ 2,441 સંસ્થા-સંગઠનો દ્વારા 14,17,064 થાળીઓ અને 13,46,128 થેલાઓનું વિવિધ પંડાલોમાં વિતરણ કરવામાં આવ્યું. પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છ કુંભની કલ્પના સમાજ સુધી પહોચાડવા આ એક સફળ પ્રયોગ રહ્યો.
Join RSS વેબસાઇટના માધ્યમ દ્વારા 2012 થી અત્યાર સુધી 12,72,453 લોકોએ સંઘમાં જોડાવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે.
અહલ્યાબાઈ હોલકરની જન્મ ત્રિશતાબ્દી વર્ષમાં દેશભરમાં અનેક સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા લોકમાતા અહલ્યાબાઈ હોલકરના પ્રેરક વ્યક્તિત્વને સમાજની સામે લાવવા માટે સફળ પ્રયાસ કરવામાં આવ્યા.
મણિપુરની ગત 20 મહિનાથી અશાંત પરિસ્થિતીમાં સંઘ અને સંઘ પ્રેરિત સામાજિક સંગઠનો દ્વારા હિંસા પ્રભાવિત લોકો માટે રાહત કાર્ય કર્યું અને વિવિધ સમુદાયો સાથે નિરંતર સંપર્ક રાખીને પરિસ્થિતીને નિયંત્રણમાં કરવાના અને વિવિધ સમુદાયોના લોકો વચ્ચે સમજૂતી માટે પ્રયત્નો કરવામાં આવ્યા.
બાંગલાદેશની વર્તમાન પરિસ્થિતિ પર ઠરાવ :
પ્રતિનિધિ સભામાં હિન્દુ સમાજ, અન્ય દેશોના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને અપીલ કરતા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં બાંગ્લાદેશના હિન્દુ અને અન્ય અલ્પસંખ્યક સમુદાયના સમર્થનમાં એકતા દાખવી, અને ન્યાય માટે તેમની સાથે ઊભા રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ નિમિતે વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ માટે, સમરસ અને સંગઠિત હિન્દુ સમાજનું નિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો.