ભારતમાં સૌથી મોટી બેંકોમાં સામેલ HDFC બેન્ક લિમિટેડ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્શ કોર્પ (HDFC) સાથે મર્જર કરવા જઈ રહી છે. આ વિલયની સાથે જ તે વિશ્વની મોસ્ટ વેલ્યુએબલ બેન્કોમાં સામેલ થઈ જશે. આવું પહેલીવાર બનશે. આ વિલયની સાથે જ અમેરિકા તથા ચીનની બેન્કો સામે એક નવો હરીફ બજારમાં આવશે જે ટોચના સ્થાનની નજીક પહોંચી હશે. 1 જુલાઈથી HDFC બેન્ક અને HDFC વચ્ચે મર્જર અમલમાં આવશે.
માર્કેટ વેલ્યૂ મામલે વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી બેન્ક બની જશે
HDFC બેંક લિમિટેડ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પના મર્જરની સાથે જ વિશ્વની ચોથા ક્રમની માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી બેંક અસ્તિત્વમાં આવશે. જે જેપીમોર્ગન ચેઝ એન્ડ કંપની, ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ અને બેંક ઓફ અમેરિકા કોર્પ પછી ચોથા ક્રમે હશે. આ બેન્કની વેલ્યૂ 172 બિલિયન ડૉલરની આજુબાજુ રહેશે.
1 જુલાઈથી મર્જર અમલી બનશે
આ બંને જાયન્ટસ વચ્ચે 1 જુલાઈથી મર્જર અમલી બનશે અને તેની સાથે 120 મિલિયન કસ્ટમર ધરાવતી નવી HDFC બેન્ક અસ્તિત્વમાં આવશે. આ કસ્ટમરની સંખ્યા જર્મનીની વસતી કરતાં પણ વધુ હશે. તેની સાથે બેંકની શાખાઓની સંખ્યા 8300ને વટાવી જશે અને તેના કર્મચારીઓની સંખ્યા પણ 177000ને સ્પર્શી જશે.
માર્કેટ કેપિટલાઈઝેશન મામલે ભારતની ધૂરંધર બેંકો પણ થઈ જશે પાછળ
આ મર્જરની સાથે જ ભારતની સૌથી મોટી બેંકોમાં સામેલ એસબીઆઈ અને ICICI બેન્ક પણ માર્કેટ કેપિટલ મામલે HDFCથી પાછળ થઈ જશે. હાલમાં એસબીઆઈ અને ICICIની માર્કેટ કેપ અનુક્રમે 62 બિલિયન અને 79 બિલિયન ડૉલરની આજુબાજુ છે.