ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કરેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે, અને ૧૦ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. આથી હવે આ કેસમાં ૪ ઓગસ્ટે હવે પછીની સુનાવણી થશે. આ સાથે સુપ્રીમ કોર્ટે ફરિયાદી પૂર્ણેશ મોદીને પણ નોટિસ પાઠવી છે.
ઉલ્લેખનીય છે કે ‘અપરાધિક માનહાની કેસ’માં રાહુલને થયેલી બે વર્ષની સજા ઉપર હાઈકોર્ટે સ્ટે. મુકવા ઈનકાર કર્યો હતો.
સુરતની કોર્ટે ‘મોદી સરનેમ’ અંગે વિવાદિત ટિપ્પણી કરવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરી હતી. તે સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં તે ચુકાદા ઉપર ‘સ્ટે’ મુકવા અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે તે યાચિકા ‘અસ્વીકાર્ય’ ગણી હતી.
આ પછી રાહુલ ગાંધી તરફથી તેઓના વકીલ અભિષેક મનુ સિંઘવીએ રાહુલની અરજી પરની સુનાવણી ૨૧ કે ૨૪ જુલાઈએ સૂચિબંધ કરવા સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટના તે ચુકાદા સામે અરજી કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘જો હાઈકોર્ટના આ ચુકાદા ઉપર સ્ટે નહીં મુકાય તો તે લોકતાંત્રિક સંસ્થાઓને વ્યવસ્થિત રીતે વારંવાર નિર્બળ બનાવતો રહેશે.’ તેના પરિણામે લોકતંત્રનો શ્વાસ ઘુંટાતો રહેશે. જે ભારતના રાજકીય વાતાવરણ અને ભવિષ્ય માટે ગંભીર રીતે હાનિકારક બની રહેશે. આથી સન્માનપૂર્વક તે દલીલ કરવામાં આવે છે કે, જો તે ચુકાદા ઉપર ‘સ્ટે’ નહીં મુકાય તો તેથી સ્વતંત્ર ભાષણ, સ્વતંત્ર અભિવ્યક્તિ, સ્વતંત્ર વિચાર અને સ્વતંત્ર નિવેદનનો શ્વાસ ઘુંટાતો રહેશે.