ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે થતા અચાનક મોતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના “Accidental Deaths & Suicides in India (ADSI) 2024” રિપોર્ટ મુજબ રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુમાં 26 ટકાનો વધારો થયો છે.
વર્ષ 2024માં ગુજરાતમાં કુલ 3,253 લોકોના મોત હાર્ટ એટેકના કારણે નોંધાયા છે, જે દરરોજ સરેરાશ 9 મૃત્યુ દર્શાવે છે. આંકડાઓ મુજબ કુલ પીડિતોમાંથી આશરે 89.4% પુરુષો હતા.
દેશમાં ત્રીજા ક્રમે ગુજરાત
ભારતમાં હાર્ટ એટેકથી થતા અકસ્માત મૃત્યુના મામલે મહારાષ્ટ્ર (14,874 કેસ) અને કેરળ (5,015 કેસ) પછી ગુજરાત ત્રીજા ક્રમે છે. દેશમાં નોંધાયેલા કુલ હાર્ટ એટેક મૃત્યુમાંથી 8.5% હિસ્સો માત્ર ગુજરાતનો છે.
ગુજરાતમાં કુલ 23,790 અકસ્માત મોતમાંથી 13.7% મોત હાર્ટ એટેકના કારણે થયા છે. રાજ્યમાં માર્ગ અકસ્માત બાદ હાર્ટ એટેક મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ બન્યું છે.
વાયરલ વીડિયો બાદ ચિંતા વધી
છેલ્લા સમયમાં ડાન્સ કે અન્ય પ્રવૃત્તિ દરમિયાન અચાનક લોકો ઢળી પડવાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેના કારણે સામાન્ય નાગરિકોમાં હૃદયરોગને લઈને ચિંતા વધી છે.
કેમ વધી રહ્યા છે હાર્ટ એટેક?
તજજ્ઞોના જણાવ્યા અનુસાર, કોવિડ બાદ જીવનશૈલીમાં મોટા ફેરફારો થયા છે.
- બહારનું અને પ્રોસેસ્ડ ફૂડનું વધતું પ્રમાણ
- કોલેસ્ટ્રોલમાં વધારો (LDL વધારે, HDL ઓછું)
- બેઠાડું જીવનશૈલી
- હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને મેદસ્વીતા
આ બધા પરિબળો સાથે મળીને કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ વધારી રહ્યા છે.
ગુજરાત અને અમદાવાદમાં થયેલા અભ્યાસ મુજબ, હાર્ટ એટેકના મુખ્ય કારણોમાં ધમનીઓમાં પ્લાક રપ્ચર, હૃદયની બળતરા, એન્જિયોપેથી અને કાર્ડિયોમાયોપેથીનો સમાવેશ થાય છે.
છેલ્લા 10 વર્ષના આંકડા (ગુજરાત)
| વર્ષ | મોત |
|---|---|
| 2015 | 2581 |
| 2016 | 2799 |
| 2017 | 2813 |
| 2018 | 3206 |
| 2019 | 2888 |
| 2020 | 2579 |
| 2021 | 2948 |
| 2022 | 2853 |
| 2023 | 3156 |
| 2024 | 3253 |
નિષ્ણાતોની સલાહ:
કાર્ડિયોલોજિસ્ટ્સે 40 વર્ષની ઉંમર પછી નિયમિત હેલ્થ ચેક-અપ કરાવવાની સલાહ આપી છે, જેથી સમયસર નિદાન કરીને ગંભીર જોખમ ટાળી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel