અમદાવાદ શહેરમાં બેફામ વાહનચાલકોનો આતંક સતત વધી રહ્યો છે. શહેરના વટવા વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં પૂરઝડપે દોડી રહેલી સ્કોર્પિયો કારે રોડ ક્રોસ કરી રહેલા 68 વર્ષીય વૃદ્ધને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલકે વાહન રોકવાને બદલે વૃદ્ધ પર જ કાર ચડાવી દીધી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઇજાઓને કારણે વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વટવા વિસ્તારમાં રહેતા 68 વર્ષીય યુનુસભાઈ વોહરા સોમવારે મોડી રાત્રે લગભગ 12 વાગ્યાના અરસામાં બીબી તળાવ ચાર રસ્તા નજીક રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન વટવા ગામ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે યુનુસભાઈ કારના બોનેટ પર ફંગોળાઈ ગયા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ કાર ચાલકે વાહન રોકવાની કે ઇજાગ્રસ્તને મદદ કરવાની જગ્યાએ વધુ બેદરકારી દાખવી હતી. બોનેટ પરથી નીચે પડેલા વૃદ્ધ પર કાર ચડાવી દેતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
સ્થાનિક લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત યુનુસભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓને કારણે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ઘટનાની જાણ થતાં જ જે ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અજાણ્યા સ્કોર્પિયો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજના આધારે પોલીસે ફરાર કારનો નંબર મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું છે અને આરોપી ચાલકને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરી છે.
અમદાવાદમાં વધતા હિટ એન્ડ રનના બનાવોને લઈને ફરી એકવાર માર્ગ સલામતી અને બેફામ વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સ્થાનિક લોકો આરોપીની તાત્કાલિક ધરપકડ અને કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel