ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાન મુદ્દે વિવાદ વકર્યો છે. ખાલિસ્તાનનો ઈતિહાસ લોહીથી ખરડાયેલ છે, જેમાં પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધીની હત્યા થઇ ચુકી છે. આખરે કેનેડામાં ખાલિસ્તાની કેવી રીતે પહોંચ્યા તેની વિગતે વાત કરીશું.
કેનેડા પહોંચનાર પ્રથમ શીખ કોણ હતા?
વર્ષ 1897માં રાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલી હતી. તે ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશનની ઉજવણી કરવા માટે વિશ્વભરમાંથી લોકો વાનકુવર પહોંચ્યા હતા. આમાંથી એક બ્રિટિશ આર્મીની 25મી કેવેલરી ફ્રન્ટિયર ફોર્સ હતી જે હોંગકોંગ રેજિમેન્ટનો ભાગ હતી. એમાં ભારતીય સૈનિકો ઉપરાંત ચીન અને જાપાનના સૈનિકો પણ સામેલ હતા. રિસાલદાર મેજર કેસર સિંહ આ ટુકડીનો એક હિસ્સો હતા, જેઓ ટુકડી સાથે કેનેડાના વાનકુવર પહોંચ્યા હતા. કેસર સિંહને ભારતમાંથી પ્રથમ શીખ માનવામાં આવે છે જેઓ કેનેડા પહોંચ્યા હતા.
બાદમાં 1900ના દાયકામાં ભારતમાંથી મજુરવર્ગના શીખોનું એક જૂથ કેનેડા પહોંચ્યું હતું. આશરે પાંચ હજાર લોકો કામની શોધમાં ત્યાં પહોંચ્યા હતા. તેઓ કામ કરીને પરત આવી ગયા હતા. ભારતમાંથી મોટાપાયે કેનેડા જતા ત્યાંની મૂળ પ્રજાને સમસ્યા ઉભી થવા લાગી હતી જેથી તેમણે વિરોધ શરુ કર્યો હતો.
હરદયાલ સિંહ કેનેડામાં જન્મેલા પ્રથમ શીખ
સ્થાનિકોના વિરોધને કારણે કેનેડા કડક બન્યું હતું. જેથી ત્યાં જતા શીખોની સંખ્યામાં જબરદસ્ત ઘટાડો થયો. જો કે, કેનેડા પહોંચી ગયેલા ભારતીય શીખોએ હાર ન માની અને કેનેડામાં ટકી રહેવા પ્રયત્નો શરુ કર્યા.તે સમયે ભારતમાંથી કેનેડા ગયેલા લોકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થતો ન હતો. પરંતુ જ્યારે બળવંત સિંહને કેનેડા જવાનું થયું ત્યારે તેમની પત્ની કરતાર ગર્ભવતી હતી. તેણે તેની પત્નીને સાથે લઈ જવાની પરવાનગી પણ માંગી અને દલીલ કરી કે તેની પત્નીની સંભાળ રાખનાર કોઈ નથી. તેથી તેને તેની પત્નીને સાથે લઈ જવાની પરવાનગી મળી. આ રીતે બળવંત સિંહ અને કરતારથી જન્મેલા બાળકનો જન્મ કેનેડામાં થયો હતો અને તેનું નામ હરદયાલ સિંહ રાખવામાં આવ્યું હતું. 28 ઓગસ્ટ, 1912ના રોજ જન્મેલા હરદયાલ સિંહને કેનેડામાં જન્મેલા પ્રથમ શીખ માનવામાં આવે છે.
બીજા વિશ્વ યુદ્ધ પછી પરિસ્થિતિઓ બદલાઈ
વિશ્વયુદ્ધ સમાપ્ત થયા બાદ પરસ્થિતિ બદલાઈ હતી. કેનેડાએ પણ બાળકો અને મહિલાઓને સ્થાયી થવાની છૂટ આપી.બીજા વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્ર એક સંગઠન બન્યું અને કેનેડા તેનું સભ્ય છે. તેથી કેનેડા હવે બીજા દેશમાંથી આવતા લોકો પર જુલમ કરી શકે તેમ હતું નહી. કારણ કે સંયુક્ત રાષ્ટ્ર અને માનવ અધિકારો આડે આવી રહ્યા હતા.
બીજી તરફ અર્થતંત્રને આગળ વધારવા મજૂરોની જરૂર હતી જે ભારતમાંથી મળી રહે તેમ હતી. ધીમે ધીમે કેનેડામાં શીખોને પણ મત આપવાનો અધિકાર મળ્યો અને તેમના અધિકારો પણ કેનેડાના સ્થાનિક લોકોની જેમ ઓછા-વત્તા પ્રમાણમાં બન્યા. 1962 સુધીમાં ભારતમાંથી કેનેડા આવેલા શીખોને તે તમામ અધિકારો મળ્યા જે એક સામાન્ય કેનેડિયન નાગરિક પાસે છે. ત્યારબાદ કેનેડા શીખોની વસ્તીની દ્રષ્ટિએ ભારત પછી વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બની ગયો. આજની તારીખમાં કેનેડામાં લગભગ 18.6 લાખ ભારતીયો છે અને તેમાં શીખોની સંખ્યા લગભગ 7.8 લાખ છે, જે કેનેડાની કુલ વસ્તીના લગભગ 2.1 ટકા છે.
ખાલિસ્તાન આંદોલન કેનેડા સુધી કેવી રીતે પહોંચ્યું?
12 ઓક્ટોબર, 1971ના રોજ અમેરિકન અખબાર ધ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં એક જાહેરાત પ્રકાશિત થઈ. આ જાહેરાતમાં ખાલિસ્તાનને અલગ દેશ તરીકે માન્યતા આપવાની વાત હતી. આ જાહેરાત જગજીત સિંહ ચૌહાણ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. જેઓ અકાલી દળની સરકારમાં ડેપ્યુટી સ્પીકર હતા અને પંજાબ જનતા પાર્ટીના લક્ષ્મણ સિંહ ગિલ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે નાણામંત્રી હતા. 1969માં વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા બાદ તેઓ બ્રિટન ગયા અને ત્યાંથી ખાલિસ્તાન ચળવળનો પ્રચાર શરૂ કર્યો. જ્યારે પાકિસ્તાનના સરમુખત્યાર યાહ્યા ખાને જોયું કે જગજીત ચૌહાણનો ઉપયોગ ભારત વિરુદ્ધ થઈ શકે છે, ત્યારે તેણે જગજીત સિંહને પાકિસ્તાનના નનકાના સાહિબમાં બોલાવ્યા, જે શીખોનું પવિત્ર સ્થળ છે. ત્યાંથી જગજીત ફરીથી બ્રિટન ગયો અને ખાલિસ્તાન વિશે એક જાહેરાત પ્રકાશિત થઈ, જેના કારણે ખાલિસ્તાન આંદોલન ભારતથી આગળ અને વિદેશમાં પણ ફેલાઈ ગયું.
પરમાણુ પરીક્ષણ બાદ કેનેડા સાથે સંબધોમાં ખટાશ
પંજાબમાં 1973માં અકાલી દળે આનંદપુર સાહિબ ઠરાવ પસાર કરાવ્યો હતો, જેનો ઈન્દિરા ગાંધીએ વિરોધ કર્યો હતો. દરમિયાન 1974માં ભારતે પણ ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. જેના કારણે કેનેડાના તત્કાલિન વડાપ્રધાન પિયર ટ્રુડો ભારત અને ખાસ કરીને ઈન્દિરા ગાંધીથી નારાજ થઈ ગયા હતા. બીજી તરફ ઈન્દિરા ગાંધીએ આનંદપુર સાહિબના ઠરાવ સામે કડક પગલાં લીધા, જ્યારે અકાલી દળ અને તેની સાથે જોડાયેલા લોકો કેનેડા તરફ વળ્યા ત્યારે કેનેડાના વડાપ્રધાન પિયર ટ્રુડોએ આવા લોકોને આવકાર્યા અને તેમને પોતાના દેશમાં આશ્રય આપ્યો.
કેનેડાએ ખાલીસ્તાનને કેમ સમર્થન આપ્યું ?
ભારતમાં તેમની માંગણીઓ સંતોષવામાં નિષ્ફળ ગયેલ ખાલિસ્તાનીઓ કેનેડા પહોંચ્યા અને કેનેડાની સરકારે ઈન્દિરા ગાંધી પાસેથી બદલો લેવાના ઈરાદાથી ખાલિસ્તાનીઓને સમર્થન આપવાનું શરૂ કર્યું. આ દરમિયાન 19 નવેમ્બર, 1981ના રોજ પંજાબના ખાલિસ્તાની આતંકવાદી તલવિંદર સિંહ પરમારે લુધિયાણામાં પંજાબ પોલીસના બે જવાનોની હત્યા કરી હતી અને કેનેડા ભાગી ગયો હતો. પિયર ટ્રુડોએ તેમને રાજકીય આશ્રય પણ આપ્યો હતો. ઈન્દિરા ગાંધી પણ પિયર ટ્રુડોને મળ્યા હતા અને આ અંગે ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે ખાલિસ્તાનનું સમર્થન પિયર ટ્રુડો માટે મોંઘુ સાબિત થઈ શકે છે. ઈન્દિરાએ પિયરને તલવિંદરને ભારતને સોંપવા પણ કહ્યું. પરંતુ પિયર માન્યો નહોતો. કેનેડામાં શીખ સમુદાયની મોટી વસ્તી હતી, જે હવે મતદાતા પણ હતી અને જેનો એક વર્ગ ખાલિસ્તાન સમર્થકો તરફ ઝુકાવ ધરાવવાને કારણે પોતાનો રાજકીય લાભ દેખાયો હતો.
ઓપરેશન બ્લુ સ્ટાર
ભારતમાં જે ખાલિસ્તાન ચળવળ ચાલી રહી હતી અને જેને ઇન્દિરા ગાંધી કચડી નાખવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા હતા. તેમને કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની સમર્થકો દ્વારા સમગ્ર શીખ સમુદાય પર અત્યાચાર કર્તા શાસક તરીકે પ્રસારિત કરવામાં આવી રહ્યા હતા અને કેનેડામાં બેઠેલા શીખો જમીની વાસ્તવિકતાથી વાકેફ ન હતા. ઈન્દિરા ગાંધીના આદેશ પર ભારતમાં ઓપરેશન બ્લુ સ્ટાર થયું જેમાં ભારતના સૌથી મોટા ખાલિસ્તાની આતંકવાદી જનરલ સિંહ ભિંડરાનવાલે માર્યો ગયો. તેના મોતનો બદલો લેવા માટે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પણ હત્યા કરવામાં આવી હતી. આ પછી દેશભરમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા જેમાં ઓછામાં ઓછા 3000 શીખો માર્યા ગયા અને લાખો શીખોને તેમના ઘર છોડવાની ફરજ પડી.
ભિંડરાનવાલેના મૃત્યુ પછી ઉગ્રવાદી બબ્બર ખાલસાએ કેનેડા, જર્મની, બ્રિટન અને ભારતના ભાગોમાંથી અલગ ખાલિસ્તાનની માંગ પર ભાર મૂકવાનું શરૂ કર્યું. કેનેડામાં બબ્બર ખાલસાનો નેતા એ જ ખાલિસ્તાની આતંકવાદી તલવિંદર સિંહ પરમાર હતો, જે પોલીસકર્મીઓની હત્યા કરીને કેનેડા ભાગી ગયો હતો. તેણે જાહેરાત કરી હતી કે હવે ખાલિસ્તાન ભારતીય વિમાનોને નિશાન બનાવવાનું શરૂ કરશે. અને આ જાહેરાતના લગભગ એક વર્ષ બાદ ખાલિસ્તાની આતંકવાદીઓએ કેનેડામાં એર ઈન્ડિયાના વિમાન કનિષ્કને નિશાન બનાવ્યું હતું. મોન્ટ્રીયલ-લંડન-દિલ્હી-બોમ્બે માટે દોડતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 182 કનિષ્ક પર 23 જૂન, 1985ના રોજ આયર્લેન્ડમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. તેમાં સવાર કુલ 329 લોકો માર્યા ગયા હતા, જેમાંથી 268 કેનેડિયન, 27 બ્રિટિશ અને 24 ભારતીય હતા. એ જ દિવસે જાપાનની રાજધાની ટોક્યોના નરિતા એરપોર્ટ પર વિસ્ફોટ થયો હતો, જે લગેજ બોમ્બ હતો અને જે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં રાખવાનો હતો. આ બોમ્બ વિસ્ફોટમાં સામાન લઈ જઈ રહેલા બે લોકોના મોત થયા હતા. આ બંને વિસ્ફોટો માટે બબ્બર ખાલસા જવાબદાર હતો, જે ભારત સિવાય કેનેડામાં સૌથી વધુ સક્રિય હતો.
સૌથી મોટો હુમલો 1995માં થયો હતો
ભિંડરાવાલેની હત્યા બાદ ખાલિસ્તાન સમર્થકો દ્વારા સૌથી મોટો હુમલો 1995માં પંજાબમાં થયો હતો. પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી બિઅંત સિંહ હતા, જેઓ કોંગ્રેસના નેતા હતા. 31 ઓગસ્ટ, 1995ના રોજ, બબ્બર ખાલસાની આત્મઘાતી ટુકડીએ પંજાબના મુખ્યમંત્રીની હત્યા કરી નાખી. જો કે, એવું પણ કહેવાય છે કે બેઅંત સિંહની હત્યા અન્ય એક પ્રો-ખાલિસ્તાન જૂથ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ આ હત્યા બાદ પંજાબમાં ધીમે ધીમે ખાલિસ્તાન સમર્થકોની સંખ્યા ઘટવા લાગી. પોલીસ સક્રિય પણ તેના માટે જવાબદાર હતી. 1981થી 1995 સુધી આ લોહિયાળ સંઘર્ષમાં 21,000થી વધુ લોકો માર્યા ગયા હતા.
કેનેડા ગયેલા ખાલિસ્તાની આતંકવાદીઓ આજે પણ લોકોને ભડકાવી રહ્યા છે
ભારતમાં ભલે આ મુદ્દો ખત્મ થઇ ગયો હોય પરંતુ કેનેડામાં તેવું નથી. અહી આજે પણ ખુલ્લેઆમ શીખોને ભારત વિરુદ્ધ ભડકાવવામાં આવે છે. જૂની વાતો યાદ કરાવવામાં આવે છે. વોટબેન્કની પોલિટિક્સને કારણે ભારતમાં ખતમ થઈ ગયેલ આ મુદ્દાને કેનેડામાં જીવંત રખાયો છે. આ બાબતે કેનેડાના રાજનીતિજ્ઞ બોલવાનું પસંદ નથી કરતા અથવા તેમના સમર્થનમાં આવી જાય છે. આનું પરિણામ તે આવ્યું છે કે કેનેડા ખાલિસ્તાન આતંકીઓનો અડ્ડો બની ગયું છે અને ટ્રુડોએ ભારત સાથે સંબંધો ખરાબ કરી દીધા છે.