અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડ્રગ્સ સ્મગલિંગનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે. Directorate of Revenue Intelligence (DRI) અને Air Intelligence Unit (AIU)એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી બે શખસોને ઝડપી પાડ્યા છે, જેઓ બેંગકોકથી અમદાવાદ આવ્યા હતા.
માહિતી અનુસાર, તપાસ એજન્સીઓને પહેલાથી જ નશીલા પદાર્થોની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા બેંગકોકના ડોન મુઆંગ એરપોર્ટથી આવેલા મુસાફરો પર નજર રાખવામાં આવી હતી. શંકાસ્પદ જણાતા બે મુસાફરોને એરપોર્ટ પર ઉતરતાની સાથે જ અટકાવવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન તેમના ટ્રોલી બેગની સઘન ચકાસણી કરવામાં આવી, જેમાંથી 8 વેક્યૂમ-સીલ કરેલા પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટ્સમાંથી લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવતા તેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. પરીક્ષણ બાદ સ્પષ્ટ થયું કે આ ઉચ્ચ ગુણવત્તાનો હાઈબ્રિડ ગાંજો છે.
જપ્ત કરાયેલા કુલ 2.25 કિલો ગાંજોની બજાર કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે. કસ્ટમ વિભાગે તરત જ આ સમગ્ર જથ્થો જપ્ત કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે.
પકડાયેલા બંને શખસો મૂળ જબલપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ તપાસ એજન્સીઓ આ નશીલા પદાર્થોના નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અમદાવાદમાં આ જથ્થો કોને સપ્લાય થવાનો હતો તેની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
આ ઘટના દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સ સ્મગલિંગના નેટવર્કને રોકવા માટે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel