લોકસભા ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ ઈન્ડિયા ગઠબંધન પર દેશના બહુમતી હિન્દુઓને હાંસિયામાં ધકેલી દેવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે સરહદ પારના જેહાદીઓ ‘વોટ જેહાદ’ની અપીલ કરનારા કોંગ્રેસ અને સપાને સમર્થન કરે છે. બીજીબાજુ અપના દળના ચૂંટણી ચિહ્ન કપ-પ્લેટ છે ત્યારે મોદીએ સહયોગી પક્ષ માટે લોકોનું સમર્થન માગતા કહ્યું, ‘હું કપ-રકાબી ધોઈને તથા ચા પીરસીને મોટો થયો છું. મોદી અને ચા વચ્ચેનો સંબંધ બહુ ગાઢ છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં ઘોસી ખાતે જાહેર સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, વિપક્ષનું ઈન્ડિયા ગઠબંધન એસસી, એસટી, ઓબીસીનું અનામત ખતમ કરીને મુસ્લિમોને આપવા માગે છે અને આ રીતે તેઓ બંધારણમાં ધર્મના આધારે અનામત આપવા માગે છે. તેઓ બાબા સાહેબ આંબેડકરે લખેલા બંધારણને ફરીથી લખવા માગે છે. ઉત્તર પ્રદેશમાં ઈન્ડિયા બ્લોકના સાથીઓ સપા અને કોંગ્રેસ પર હુમલો કરતા મોદીએ કહ્યું કે, તેમણે વર્ષો સુધી પૂર્વાંચલની અવગણના કરી છે અને તેને માફિયા, ગરીબી અને અસહાય પ્રદેશ બનાવી દીધો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, સપા અને કોંગ્રેસ હિન્દુઓને જાતિઓમાં વિભાજિત કરીને તેમને નબળા પાડવા માગે છે. આ રીતે તેઓ વાસ્તવિક મુદ્દાઓથી લોકોનું ધ્યાન બીજે ખેંચવા માગે છે. ઈન્ડિયા ગઠબંધન જીતશે તો તે બંધારણ બદલી નાંખશે અને દેશમાં ધર્મના આધારે અનામત આપશે. બીજું તેઓ એસસી, એસટી, ઓબીસી અનામતનો અંત લાવી દેશે. ત્રીજું તેઓ સંપૂર્ણ અનામત ધર્મના આધારે મુસ્લિમોને આપી દેશે. આ રીતે તેઓ બહુમતી હિન્દુઓના દેશમાં હિન્દુઓને જ હાંસિયામાં ધકેલી દેવા માગે છે.