અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ઊંટવાળી ચાલી પાસે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની માલિકીની જમીન પર છેલ્લા 15-16 વર્ષથી ચાલતું ગેરકાયદેસર દબાણ આખરે હટાવવામાં આવ્યું છે. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે એક મેગા ડિમોલીશન ડ્રાઇવ હાથ ધરી, જેમાં કુખ્યાત બિલાલ શેખના ગેરકાયદેસર કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિત 30થી વધુ દુકાનો તોડી પાડવામાં આવી છે.
આ જમીન જમાલપુરના ત્રિકમજી મંદિરની આસપાસની છે, જે લાટી બજાર તરીકે જાણીતી છે. મૂળરૂપે આ જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશને ભાડાપટ્ટે આપી હતી, પરંતુ તેનો કરાર વર્ષ 2009માં પૂર્ણ થઈ ગયો હતો. છતાં પણ તત્કાલીન અધિકારીઓએ જમીન પરત મેળવવા કોઈ કાર્યવાહી કરી નહોતી. આ દરમિયાન બિલાલ શેખ, જે કુખ્યાત ગુનેગાર હનીફ દાઢી ઉર્ફે હનીફ શેખનો પુત્ર છે, તેણે અહીં ગેરકાયદેસર બાંધકામ કરી દુકાનો ઊભી કરી અને તે દુકાનોનું ભાડું વસૂલવાનું શરૂ કર્યું હતું. આ કેસમાં કેટલાક મ્યુનિસિપલ અધિકારીઓ સાથે ગોઠવણ અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ સામે આવ્યા છે.
12 નવેમ્બર 2025ના રોજ શરૂ થયેલી આ તોડફોડ કાર્યવાહી દરમિયાન કોર્પોરેશનની ટીમે સાંજ સુધીમાં તમામ ગેરકાયદેસર દુકાનોને ધરાશાયી કરી દીધી હતી. પોલીસની ભારે હાજરી વચ્ચે આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.
કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી એક-બે દિવસ સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે અને અંતે અંદાજે 13,000 વર્ગ મીટર જમીન સંપૂર્ણ રીતે ખાલી કરીને એએમસીના કબજામાં લઈ લેવામાં આવશે. આ પગલાથી જમાલપુર વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીની જમીન પરના દબાણ સામે કડક વલણ અપનાવાયું હોવાનું મનાય છે. શહેરના દક્ષિણ અને મધ્ય ઝોનમાં ફેલાયેલા આવા ગેરકાયદેસર દબાણ સામે આવનારા દિવસોમાં પણ સમાન રીતે તોડફોડની કાર્યવાહી હાથ ધરવાની એએમસીની યોજના છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel