અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપરજોયએ હવે રૌદ્ર રુપ ધારણ કરી લીધુ છે અને તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 115 તાલુકામાં વરસાદ પડ્યો છે જોમાં જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો.
ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડા બિપરજોયનું સકંટ યથાવત છે અને આજે બપોર બાદ જખૌના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. રાજ્યના 115 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમા સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સાથે કેશોદમાં પોણા 2 ઈંચ, ધ્રોલમાં દોઢ ઈંચ, ભુજમાં અને અમરેલીના લીલીયામાં દોઢ ઈંચ જ્યારે કચ્છના અંજારમાં સવા ઈંચ વરસાદ તેમજ ખાંભાના કલ્યાણપૂ, જામકંડોરણામાં એક વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત માંગરોળ, વંથલી, કાલાવડ અને બગસરામાં પણ પોણો ઈંચ વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે. આજે 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય શકે તેવી સંભાવના છે.
વાવાઝોડું બિપરજોય આજે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને આગામી ત્રણ કલાકમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેરા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદર અને નગર હવેલીમાં વરસાદની આગાહી છે. વાવાઝોડાને પગલે અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે.