ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ ભયંકર યુદ્ધ હવે વધુને વધુ ગંભીર બનતુ રહ્યું છે. આ યુદ્ધથી આખુ વિશ્વ હચમચી ઉઠ્યુ છે અને સમગ્ર વિશ્વને અસર કરી રહ્યું છે. તેને જોતા દિલ્હી પોલીસે ઈઝરાયલ એમ્બેસી અને ચાબાડ હાઉસની આસપાસ સુરક્ષા વધારી દીધી છે ઈઝરાયલ એમ્બેસી અને ચાબાડ હાઉસ પાસે કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે આ સાથે જપોલીસ કર્મચારીઓ ખૂણે-ખૂણે નજર રાખી રહ્યા છે.
દિલ્હીમાં સુરક્ષા વધારાઈ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધની અસર દિલ્હીમાં પણ જોવા મળી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસી અને ચાંદની ચોકમાં ચાબડ હાઉસની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પોલીસને તૈનાત કરવાની સૂચના આપવામાં આવી છે. આ સૈનિકો ચારેબાજુ કડક તકેદારી રાખી રહ્યા છે કે જેથી કરીને કોઈપણ પ્રકારની ઘટનાને અટકાવી શકાય અને કોઈ અનિચ્છીય બનાવ ન બને. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બંને પક્ષે 1500 થી વધુ લોકોના મોત થયા હતા
હમાસએ ઈઝરાયેલ પર કરેલા અચાનક હુમલામાં અત્યાર સુધી અનેક ઈઝરાયેલના સૈનિકો અને લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઈઝરાયેલ પણ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝા પટ્ટી વિસ્તારમાં સેંકડો પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ ભીષણ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષોના 1500 થી વધુ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે.