જે દેશો સાથે ભારતના મુકત વેપાર કરાર છે તેમની સાથે ભારતની નિકાસ કરતા છેલ્લા પાંચ વર્ષમાં આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે. મુકત વેપાર કરાર સાથેના દેશો ખાતેથી ભારતની માલસામાનની આયાત છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ૩૮ ટકા વધી ૧૮૭.૯૨ અબજ ડોલર રહી હોવાનું ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ (જીટીઆરઆઈ) દ્વારા જણાવાયું હતું. આની સામે આજ ગાળામાં નિકાસ ૧૪.૪૮ ટકા વધી ૧૨૨.૭૨ અબજ ડોલર રહી હતી.
મુકત વેપાર કરાર સાથેના દેશો ખાતેથી ૨૦૧૮-૧૯માં આયાત આંક જે ૧૩૬.૨૦ અબજ ડોલર રહ્યો હતો તે ૩૭.૯૭ ટકા વધી ૧૮૭.૯૨ અબજ ડોલર રહ્યો હતો. જ્યારે નિકાસ આ ગાળામાં ૧૦૭.૨૦ અબજ ડોલરથી વધી ૧૨૨.૭૨ અબજ ડોલર રહ્યાનું પણ પ્રાપ્ત આંકડા જણાવે છે.મુકત વેપાર કરારને કારણે ભારતના વિદેશ વેપારના ગણિતોમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યાનું જીટીઆરઆઈના આંકડા પરથી કહી શકાય એમ છે.
૨૦૧૮-૧૯માં યુએઈ ખાતે ભારતની નિકાસ જે ૩૦.૧૩ અબજ ડોલર રહી હતી તે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૮.૨૫ ટકા વધી ૩૫.૬૩ અબજ ડોલર રહી હતી જ્યારે આજ ગાળામાં આયાત ૨૯.૭૯ અબજ ડોલરથી ૬૧ ટકા વધી ૪૮.૦૨ અબજ ડોલર રહી હતી.ભારત તથા યુએઈ વચ્ચે મુકત વેપાર કરાર મે, ૨૦૨૨થી થયા હતા.