રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના રાજપથ ક્લબ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત અને ગુજરાત સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલા રમતવીરો અને વિવિધ કોચના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલા રમતવીરો અને કોચ શ્રી તેજસ બાકરે, શ્રી વરજંગ વાળા, એન્થોની જોસેફ, શ્રી ડેવિડ કોલોગા, અનિલ પટેલ, શ્રી પ્રમેશ મોદી, શ્રી નમન ઢીંગરા, શ્રી જલ્પ પ્રજાપતિ, શ્રી મિરાંત ઇટાલીયા, શ્રી વિવાન શાહ, શ્રી બખ્તિયારુદ્દીન મલેક અને શ્રી રુદ્ર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે ગુજરાતના સૌપ્રથમ ચેસ ગ્રાન્ડ માસ્ટર શ્રી તેજસ બાકરેને ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના ભૂતપૂર્વ રમતગમત મંત્રી શ્રી નરહરિ અમીને પોતાના વર્ષ 1990થી 1995 સુધીના રમતગમત મંત્રી તરીકેના અનુભવો વર્ણવ્યા હતા. વર્ષ 1993માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના ચેરમેન પદ પર રહીને તેમણે ગુજરાતના ભાવિ ખેલાડીઓને અને વિવિધ રમતોને આગળ વધતાં જોવાની વાત કરી હતી. ગુજરાતના રમતવીરો અને રમતગમત માટેની સુવિધાઓ વર્ષ 2036ના ઓલમ્પિક યજમાની માટે તૈયાર થઈ રહ્યા છે. તેમણે રાષ્ટ્રીય રમતગમત દિવસની શુભેચ્છાઓ આપી હતી.
SAGના ડાયરેકટર જનરલ શ્રી આર. એસ. નિનામાએ જણાવ્યું કે, આજના અવસરે ખેલાડીઓનું સન્માન ખૂબ મહત્વની પહેલ છે. સરકારે કોઈ કસર નથી રાખી. ગુજરાતમાં ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી અમારી નેમ છે. સરકાર પ્રાયમરી સ્ફુલિંગથી જ ખેલકુંડની તાલીમ આપવામાં આવે છે.
આ પ્રસંગે માહિતી નિયામક શ્રી કે.એલ.બચાણીએ કહ્યું હતું કે, ખેલ જગતને પ્રશાસનિક નેતાઓ, સરકારશ્રીના અધિકારીશ્રીઓ અને પત્રકારો એમ ત્રણેય બાજુથી સહકાર સાંપડ્યો છે. પોતાના રમત-ગમત સાથે સંકળાયેલા અંગત અનુભવો વર્ણવી તેમણે આવા આયોજનો અવિરત ચાલતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઇન્ડિયન ઓલિમ્પિકસ્ કમિટીના વાઇસ ચેરમેન શ્રી અજય પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું ગુજરાતમાં 2036ના ઓલમ્પિકસની યજમાનીનું સ્વપ્ન છે. જેના માટે આવા કાર્યક્રમો ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર સરકાર પણ રાજ્યમાં રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે ખૂબ મહેનત કરી રહી છે. ઉપસ્થિત પત્રકારો, ખેલાડીઓ અને કોચને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિયેશનના પ્રમુખ તુષાર ત્રિવેદી, સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિયેશનના ઉપપ્રમુખ નરેન્દ્ર પંચોલી, રીપલ ક્રિષ્ટી પેટ્રન હિતેશ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.