ઈરાકમાં લગ્નનાં કાયદામાં સુધારા કરવામાં આવી રહ્યા છે. નવા કાયદામાં કોઈપણ પુરુષ હવે ૯ વર્ષની કિશોરી સાથે લગ્ન કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલાઓને તલાક, બાળકોની દેખભાળ અને ઉત્તરાધિકાર જેવા હકોથી વંચિત રાખવા દરખાસ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. નાગરિકો કોઈપણ પારિવારિક મુદ્દાઓ ઉકેલવા માટે ક્યાં તો ધાર્મિક સત્તાવાળાઓ અથવા તો સિવિલ જ્યુડિશિયરીને પસંદ કરીને સમસ્યાઓ ઉકેલી શકશે. શિયા ગ્રૂપનાં ગઠબંધનનાં નેતૃત્વ ધરાવતી રૂઢિવાદી સરકારનું લક્ષ્ય યુવતીઓ અને કિશોરીઓને અનૈતિક સંબંધોથી બચાવવાનો છે. આ કાયદામાં બીજો સુધારો ૧૬ સપ્ટેમ્બરે પાસ કરવામાં આવ્યો હતો.
માનવ અધિકાર કાર્યકરો દ્વારા વિરોધ અને ચેતવણી
એવો ભય વ્યક્ત કરાયો છે કે નવા કાયદાથી મહિલાઓના અધિકારો છીનવાઈ જશે. મહિલાઓ તેમજ કાર્યકરોએ આ કાયદાનો વિરોધ કર્યો છે. કાર્યકરોને ડર છે કે નવા કાયદાથી બાળ લગ્નોને કાનૂની માન્યતા મળી જશે. કિશોરીઓ સેક્સ અને શારીરિક શોષણનો ભોગ બનશે. તેમને શિક્ષણ કે નોકરીનાં અધિકારો મળશે નહીં. યુનિસેફનાં જણાવ્યા મુજબ ઈરાકમાં બાળલગ્નોનો દર ઘણો ઊંચો છે. ઈરાકની ૨૮ ટકા યુવતીઓ અને કિશોરીઓ ૧૮ વર્ષની વયે જ લગ્ન કરી લેતી હોય છે. આવા સંજોગોમાં કાયદાની જોગવાઈઓ સત્તાવાળાઓની ઊંઘ ઉડાડી મૂકશે તેમ મનાય છે.