૧૯૫૦થી ૨૦૧૫ની વચ્ચેના ૬૫ વર્ષના સમયગાળા વચ્ચે સમુદાયોની વસતીમાં વધારા વિશે અભ્યાસ કરાયો
ભારતમાં ૧૯૫૦થી ૨૦૧૫ની વચ્ચેના ૬૫ વર્ષના સમયગાળા દરમિયાન બહુમતી હિન્દુ સમુદાયની વસતીમાં ભારે પડતી જોવા મળી છે. આ સમયગાળામાં દેશની વસતીમાં હિન્દુ સમુદાયની ભાગીદારીમાં ૭.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એટલું જ નહીં પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા અન્ય દેશોની તુલના કરીએ તો ત્યાં બહુમતી મુસ્લિમોની વસતીમાં ભાગીદારી ઝડપથી વધી છે. એક અભ્યાસ અનુસાર એક તરફ ભારતમાં હિન્દુ સમુદાયની વસતીમાં ભાગીદારી ઘટી રહી છે તો બીજી તરફ લઘુમતી સમુદાયો મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ અને શીખ સમુદાયની વસતીમાં વધારો થયો છે. જ્યારે હિન્દુઓ ઉપરાંત જૈન અને પારસી સમુદાયની વસતીમાં પણ આ સમયગાળા દરમિયાન ઘટાડો જોવા મળ્યો છે. અભ્યાસ અનુસાર આ સમયગાળા દરમિયાન દેશમાં મુસ્લિમ સમુદાયની વસતીમાં પાંચ ટકાનો વધારો જોવા મળ્યો છે. જયારે ખ્રિસ્તી સમુદાયની વસતી ૫.૩૮ ટકા વધી છે. શીખોની વસતીમાં ૬.૫૮ ટકાનો વધારો જોવા મળ્યો છે. જૈન અને પારસીઓની વસતી ઘટી છે તેવું ઈકોનોમીક એડવાઈઝરી કાઉન્સીલ ટુ પીએમ દ્વારા જણાવાયું છે.
હિન્દુઓની વસતી ૮૫ ટકાથી ઘટી ૭૮ ટકા થઈ
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ૧૯૫૦માં ભારતની વસતીમાં હિન્દુ સમુદાયની ભાગીદારી ૮૫ ટકા હતી. હવે દેશમાં હિન્દુઓની વસતી ૭૮ ટકા જ રહી ગઇ છે. આમ હિન્દુઓની વસતીમાં ૭.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ૬૫ વર્ષ પહેલાંભારતની વસતીમાં મુસ્લિમ સમુદાયની હિસ્સેદારી ૯.૮૪ ટકા હતી જે હવે વધીને ૧૪.૦૯ ટકા થઇ ગઇ છે મ્યાનમાર બાદ ભારત પોતાના આસપાસના દેશોમાં બીજા નંબરે છે જ્યા દેશના બહુમતી સમાજની વસતીમાં કમી જોવા મળી છે.
મ્યાનમારમાં બૌદ્ધ વસતીમાં ઘટાડો
મ્યાંમારમાં આ સમયગાળામાં બહુમતિ બૌદ્ધ સમુદાયની વસતીમાં હિસ્સેદારી ૧૦ ટકા જેટલી ઘટી છે. તો ભારતમાં હિન્દુઓની વસતીમાં હિસ્સેદારી ૭.૮ ટકા ઘટી ગઇ છે. ભારત અને મ્યાંમાર ઉપરાંત નેપાળની સ્થિતિ પણ આવી જ છે. નેપાળમાં બહુમતી હિન્દુ સમુદાયની વસતીમાં ૩.૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિ પોતાના રિપોર્ટમાં કુલ ૧૬૭ દેશનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસમાં કહેવાયુ હતું કે દુનિયાના ટ્રેન્ડને જોતા ભારતમાં એક સ્થિરતા જોવા મળી હતી. સ્ટડીમાં કહેવાયું હતું કે ભારતમાં લઘુમતીઓને માત્ર સંરક્ષણ જ પ્રાપ્ત નથી બલકે તેમની વસતીમાં પણ વધારો થઇ રહ્યો છે.