મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. માતા સીતાજી પૃથ્વીમાં સમાઈ ગયા ત્યારે લવ અને કુશની જવાબદારી ઉમિયા માતાજીને સોંપી હતી. લવના વંશજ લેઉવા અને કુશના વંશજો કડવા કહેવાયા તે કડવા પાટીદાર સમાજના કુળદેવી એટલે ઊંઝામાં બિરાજમાન મા ઉમિયા. ઉમિયાધામ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. અમદાવાદથી 80 કિલોમીટર અને મહેસાણાથી 20 કિલોમીટરના અંતરે જીરાના વહેપાર માટે જાણીતા ઊંઝા શહેરમાં કડવા પાટીદારની કુળદેવી મા ઉમિયાનું ભવ્ય મંદિર આવેલું છે.
ઉમિયા માતાજી મંદિરની વિશેષતાઓ:
-
આધ્યાત્મિક મહત્ત્વ: ઉમિયા માતાજી પાટીદાર સમાજ માટે માતૃશક્તિનું પ્રતિક છે.
-
સ્થળની લોકપ્રિયતા: ઉંઝા શહેર જીરાના સૌથી મોટા વેપાર માટે જાણીતું છે અને અહીં ગુજરાત તેમજ ભારતભરના ભક્તો ઉમિયા માતાના દર્શન કરવા આવે છે.
-
વૈશ્વિક પ્રસાર: માત્ર ઉંઝા જ નહીં, પરંતુ દુનિયાભરમાં વસેલા પાટીદારો માટે ઉમિયાધામ એક પવિત્ર તીર્થસ્થાન છે.
-
પરિવાર અને સંસ્કૃતિ: ઉમિયા માતાજી મંદિરે પાટીદાર સમાજને જોડવાની ભૂમિકા નિભાવેલી છે અને સામૂહિક લગ્ન, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે.
કડવા પાટીદારની કુળદેવી જગત જનની આદ્યશક્તિ મા ઉમિયાદેવીએ આદ્યશકિત સ્વરૂપે સૃષ્ટિની ઉત્પત્તિ કરી. પૌરાણિક કથા અનુસાર માતા સીતા ઉમિયા માતાજીના પરમ ભક્ત હતા અને જ્યારે તેઓ પૃથ્વીમાં સમાયા ત્યારે તેમણે લવ અને કુશની જવાબદારી ઉમીયા માતાજીને સોંપી હતી. લવના વંશજ લેઉઆ અને કુશના વંશજો કડવા કહેવાયા. કડવા પાટીદાર સમાજ મા ઉમિયાની ભક્તિ અને આરાધના કરે છે જેના ફળ સ્વરૂપે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલુ મા ઉમિયાનું ભવ્ય મંદિર ઉમિયાધામ સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ બન્યું છે.
ઊંઝા શહેરમાં બિરાજમાન મા ઉમિયા
માતાજીનું મુખ્ય સ્થાનક મહોલોતના મોટા મઢનો ગોખ
માતાજીનું મુખ્ય સ્થાનક મહોલોતનો મોટો મઢ છે ત્યાં માતાજીના ગોખમાં મૂર્તિને સાચવીને રાખવામાં આવી છે. ગોખવાળી માના દર્શન કરી સૌ કોઈ પોતાની મનોકામના પૂર્ણ કરે છે. કડવા પાટીદારોની કુળદેવી મા ઉમિયાના દર્શને દરેક જ્ઞાતિ લોકો આવે છે. ભાવિકો સુખ શાંતિ, વિદેશ ગમન, સંતાન પ્રાપ્તિ જેવી મનોકામના લઈ માતાજીના શરણે આવે છે. પાટીદાર સમાજના નવપરણિત દંપતિ મા ઉમિયાના ધામે આવી માતાજીના દર્શન કરી તેમનુ લગ્નજીવન સુખી સંપન્ન રહેવાની મનોકામના કરે છે. ઉમિયાધામ મંદિર એક પર્યટક સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. દર આસો સુદ આઠમના રોજ મા ઉમિયાના મંદિરે પલ્લી ભરાય છે. દર વર્ષે વસંત પંચમીના દિવસે માતાજીના જન્મોત્સવને પાટોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. અને વૈશાખ સુદ પૂનમના દિવસે મંદિરથી ભવ્ય નગરયાત્રા નીકળી આખા ઉંઝા શહેરમાં ફરે છે. ઉમિયા માતાજી મંદિરનું ટ્રસ્ટ માતા સંસ્થાન તરીકે ઓળખાય છે. માતા સંસ્થાન ધાર્મિક અને અને સામાજિક કાર્યો પણ કરે છે. માતા સંસ્થાને હરિદ્વારમાં કરોડોના ખર્ચે આશ્રમ બનાવ્યો છે. જેનો લાભ હરિદ્વાર જતા ભક્તો લે છે. ઉમિયા માતા સંસ્થાન જુદી જુદી જગ્યાએ કથા વાંચનનું આયોજન કરે છે. સંસ્થાને જુદા જુદા શહેરોમાં આશ્રમ બનાવ્યા છે જેનો લાભ દર્શનાર્થે જતા ભાવિકો થાય છે. ઉમિયા માતાજી સંસ્થાનમાં ભક્તોને રહેવા જમવાની ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવે છે. ભક્તોને નજીવા દરે શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે વર્ષે લાખો ભાવિકો ઉમિયાધામ આવી માતાજીના દર્શન કરી ધન્ય થાય છે.