અમદાવાદના સરખેજ વિસ્તારમાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી હચમચાવી દેનારી ઘટના બહાર આવી છે. અહીં એક વર્ષ પહેલાં પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવનાર પત્ની પર જ પતિની હત્યાનો આરોપ ચઢ્યો છે. માહિતી મુજબ, સરખેજની ફતેવાડી કેનાલ રોડ પર રહેતો સમીર બિહારી અચાનક લાપતા થયો હતો. તેની પત્ની રૂબીએ તે સમયે પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. શરૂઆતમાં કિસ્સો સામાન્ય ગુમશુદગીનો લાગતો હતો, પરંતુ સમય જતાં પોલીસને આ મામલો શંકાસ્પદ લાગ્યો.
ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત રીતે તપાસ શરૂ કરી અને રૂબીના હલનચલન પર નજર રાખી. દરમિયાન, વિસ્તારમાં ચર્ચા ફેલાઈ હતી કે રૂબીનો ઈમરાન નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ છે. આ ચર્ચા બાદ પોલીસે બાતમીદારો મારફતે વધુ માહિતી મેળવી અને શંકા વધુ ગાઢ બની. બાતમીદાર પાસેથી મળેલી જાણકારી મુજબ, સમીર બિહારીની હત્યા થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે રૂબી અને તેના પ્રેમી ઈમરાન બંનેને કડક પૂછપરછ માટે બોલાવ્યા.
પૂછપરછ દરમિયાન બંનેનો ભાંડાફોડ થયો અને તેમણે ગુનાનો કબૂલાત કર્યો. પોલીસે તરત જ સમીર અને રૂબી જ્યાં રહેતા હતા તે મકાનના રસોડામાં ખોદકામ શરૂ કરાવ્યું. ખોદકામ દરમિયાન પોલીસને રસોડાના તળિયામાંથી માનવીય હાડપિંજર મળ્યું, જે સમીર બિહારીનું હોવાનું પ્રાથમિક રીતે નિર્ધારિત થયું. તપાસ મુજબ, રૂબી અને ઈમરાને મળીને સમીરની હત્યા કરી હતી અને પછી તેની લાશને ઘરના રસોડામાં જ દાટી દીધી હતી, જેથી કોઈને શંકા ન થાય.
આ ચોંકાવનારા ખુલાસા બાદ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને કસ્ટડીમાં લઇ વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ હવે હત્યાનો ચોક્કસ સમય, કારણ અને ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે. આ આખી ઘટના સ્થાનિકોમાં ચકચાર મચાવી રહી છે, કારણ કે પતિ ગુમ થયાનો નાટક કરીને પત્નીએ જ પ્રેમી સાથે મળી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom