ઇન્ડિયા ગઠબંધન સામે ઘોર કોમવાદી, જાતિવાદી અને પરિવારવાદી હોવાનો આક્ષેપ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે તેઓ કહે છે કે હું હિંદુ-મુસ્લિમ રાજનીતિ કરું છું. પરંતુ તેઓ જ વોટજેહાદ કરે છે. હું તથ્યો સાથે તેમનો માત્ર પર્દાફાશ કરું છું. કોંગ્રેસ દેશની સંપત્તિ અને એસટી-ઓબીસી ક્વોટા મુસ્લિમોને વહેંચવા માગે છે.
દિલ્હીના દ્વારકામાં એક રેલીને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે ભાજપનું વિકાસ મોડલ નેશન ફર્સ્ટ માટે પ્રતિબદ્ધ છે, પરંતુ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનનો એકમાત્ર એજન્ડા ફેમિલી ફર્સ્ટ છે. આ INDI ગઠબંધન દેશમાં પ્રવર્તતી દરેક દુષ્ટતાનું પ્રતીક છે. તેઓ ઘોર કોમવાદી, જાતિવાદી અને પરિવારવાદી છે. દિલ્હી કોમવાદનું સાક્ષી રહ્યું છે. દિલ્હીમાં લુટિયન ગેંગ અને ખાન માર્કેટ ગેંગે આ ઘોર સાંપ્રદાયિક લોકોની સુરક્ષામાં પોતાનું જીવન વિતાવ્યું છે. કોંગ્રેસે જામિયા મિલિયા યુનિવર્સિટીમાં મુસ્લિમો માટે 50 ટકા અનામત લાદી હતી. અગાઉ તમામ SC/ST/OBCને પ્રવેશમાં અનામત મળતી હતી, હવે તે પણ ધર્મના આધારે નિયંત્રિત કરાઈ છે.
શીખ વિરોધી રમખાણોના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતાં પીએમએ જણાવ્યું હતું કે આ જ દિલ્હીમાં મારા શીખ ભાઈ-બહેનોને ગળામાં સળગતા ટાયર ભરાવી જીવતા સળગાવી દેવામાં આવ્યા હતાં. આજે કોંગ્રેસની સાથે ઉભેલી દરેક પાર્ટી શીખ રમખાણો માટે દોષિત છે. માત્ર મોદી શીખ રમખાણોના પીડિતોને ન્યાય અપાવી રહ્યાં છે.