ભારતના સેટેલાઇટ કોમ્યુનિકેશન સેક્ટરમાં એક મહત્વનું ડેવલપમેન્ટ જોવા મળ્યું છે. જેમાં એલોન મસ્કની સ્ટારલિંકને ભારતમાં તેની સેવાઓ પૂરી પાડવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) તરફથી લેટર ઓફ ઇન્ટેન્ટ (LOI) મળ્યો છે. મતલબ કે, હવે એલોન મસ્કની સ્ટારલિંક સર્વિસ ટૂંક સમયમાં ભારતમાં આવી જશે.
સ્ટારલિંકને મંજૂરી આપતા પહેલા ભારત સરકારે કંપનીને નવી રાષ્ટ્રીય સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કરવાનું જણાવ્યું હતું અને આ અંગે સંમતિ આપ્યા બાદ જ કંપનીને લેટર ઓફ ઇન્ટેન્ટ આપવામાં આવ્યો છે. સ્ટારલિંકની અરજીની સમીક્ષા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. પરંતુ સરકાર તરફથી અંતિમ મંજૂરી ત્યારે જ મળી જ્યારે કંપનીએ સુરક્ષા અંગે સરકારની શરતો સ્વીકારી હતી.
શું છે સ્ટારલિંક ?
સ્ટારલિંક એ સ્પેસએક્સ દ્વારા ડેવલપ સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ છે. સ્પેસએક્સ એક અમેરિકન કંપની છે જે એરોસ્પેસનું ઉત્પાદન કરે છે અને એક સ્પેસ ટ્રાન્સ્પોર્ટેશન કંપની છે. આ કંપનીની સ્થાપના એલોન મસ્ક દ્વારા વર્ષ 2002 માં કરવામાં આવી હતી. આ કંપનીની ઇન્ટરનેટ સર્વિસ, સ્ટારલિંક, હાઇ-સ્પીડ, લો-લેટન્સી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ માટે વિશ્વભરમાં જાણીતી છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ હવે સ્ટારલિંકને એક લેટર ઓફ ઇન્ટેન્ટ ઈશ્યું કર્યો છે. અગાઉ, સરકારે Eutelsat OneWeb અને Jio સેટેલાઈટ કોમ્યુનિકેશનને લાઇસન્સ ઇશ્યું કર્યા હતા.
મોટા ભાગે પરંપરાગત સેટેલાઇટ કંપનીઓની સર્વિસ, ડિસ્ટન્સ ઝિયોસ્ટેશનરી સેટેલાઈટ પર આધાર રાખે છે. પરંતુ સ્ટારલિંક વિશ્વના સૌથી મોટા લો અર્થ ઓર્બિટ (LEO) કોન્સટલેશનનો ઉપયોગ કરે છે, જે પૃથ્વીથી 550 કિમી ઉપર છે. LEO સેટેલાઈટના કોન્સટલેશન (હાલમાં 7,000 છે પરંતુ 40,000 થી વધુ કરવાની યોજના છે) અને તેની ઝાળથી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવામાં આવે છે જે સ્ટ્રીમિંગ, ઓનલાઈન ગેમિંગ અને વીડિયો કોલ્સને સપોર્ટ કરે છે.