પાકિસ્તાનની ખરાબ હાલતથી દરેક વ્યક્તિ વાકેફ છે. સ્થિતિ એ સ્તરે પહોંચી ગઈ છે કે આર્થિક સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાનની સરકારે હવે પોતાની તમામ સરકારી કંપનીઓને વેચવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ પીઓકેના લોકો પણ સરકાર સામે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના એક સાંસદે પોતાના દેશને અરીસો બતાવવાનું કામ કર્યું છે.
પાક સાંસદે પોતાના દેશનો પર્દાફાશ કર્યો
પાકિસ્તાન નેશનલ એસેમ્બલીના સભ્ય સૈયદ મુસ્તફા કમાલે ભારતના ચંદ્રયાન મિશનનો ઉલ્લેખ કરતા ભારતની સિદ્ધીઓ અને પાકિસ્તાનના શહેરો અને કરાચીની ખરાબ સ્થિતિ વચ્ચે સરખામણી કરી છે.
મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P)ના નેતા સૈયદે નેશનલ એસેમ્બલીમાં એક ભાષણમાં કહ્યું કે જ્યારે ભારત ચંદ્ર પર ઉતરી રહ્યું છે, ત્યારે કરાચી ખુલ્લી ગટરમાં પડી ગયેલા બાળકોના મૃત્યુના સમાચાર બનાવી રહ્યું છે. વિધાનસભામાં ભાષણ આપતાં પાક સાંસદે વધુમાં કહ્યું કે, આજે કરાચીની સ્થિતિ એવી છે કે જ્યારે દુનિયા ચંદ્ર પર જઈ રહી છે ત્યારે કરાચીમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે. એ જ સ્ક્રીન પર સમાચાર આવી રહ્યા છે કે ભારત ચંદ્ર પર ઉતર્યું છે અને માત્ર બે સેકન્ડ પછી સમાચાર છે કે કરાચીમાં એક ખુલ્લી ગટરમાં એક બાળકનું મૃત્યુ થયું.
પીવા માટે શુદ્ધ પાણીના પણ વલખાં
સાંસદ સૈયદ મુસ્તફાએ કરાચીમાં ચોખ્ખાં પીવાના પાણીની અછતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કરાચીમાં 70 લાખ બાળકો અને પાકિસ્તાનમાં 26 મિલિયનથી વધુ બાળકો એવા છે જેઓ શાળાએ જઈ શકતા નથી. સૈયદે કહ્યું કે, જો કે કરાચી પાકિસ્તાનનું રેવન્યુ એન્જિન છે, પરંતુ હવે ત્યાં પીવા માટે ચોખ્ખું પાણી પણ નથી.