ભારતમાં અબજોપતિની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક સર્વેથી જાણવા મળ્યું છે કે, ભારતમાં આ વર્ષે એટલે કે 2024માં અબજોપતિની સંખ્યા વધીને 334 થઈ જશે. સાથે-સાથે એ પણ જાણવા મળ્યું છે કે, એશિયાની અબજોપતિની રાજધાની તરીકે મુંબઈએ પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. મુંબઈ એ અમેરિકા અને ચીનથી આગળ નીકળીને ત્રીજા નંબરે આવી ગયું છે. 360 વન વેલ્થ અને ક્રિસિલે ધ વેલ્થ ઈન્ડેક્સ રિપોર્ટનું લેટેસ્ટ એડિશન બહાર પાડ્યું છે, જેમાં વ્યાપક સર્વેક્ષણ પર આધારિત વલણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉચ્ચ કેટેગરીમાં મહિલાઓનું પ્રમાણ વધ્યું
360 વન વેલ્થ અને ક્રિસિલ દ્વારા વેલ્થ ઈન્ડેક્સ રિપોર્ટ જણાવે છે કે, શ્રીમંત વર્ગમાં મહિલાઓની સંખ્યા વધી રહી છે. 40 ટકાથી વધુ શ્રીમંત મહિલાઓની ઉંમર 51-60 વર્ષની વચ્ચે છે. જેમાંથી ઘણા લોકો ઓછા જોખમવાળા અને સ્થિર રોકાણને અપનાવે છે. રિપોર્ટ્સ કહે છે કે, શ્રીમંત લોકો પરંપરાગત સંપત્તિઓથી આગળ વધી રહ્યા છે. પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ, વૈકલ્પિક રોકાણ ભંડોળ અને રિયલ એસ્ટેટ રોકાણ ટ્રસ્ટ જેવા વિકલ્પો લોકપ્રિય બન્યા છે.
ભારતના અબજોપતિઓની સંપત્તિ
ફોર્બ્સની 2024માં ભારતના 100 સૌથી ધનિકોની યાદી દર્શાવે છે કે, ભારતના અબજોપતિઓની સામૂહિક સંપત્તિ $1 ટ્રિલિયનને વટાવીને $1.1 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ છે. મુકેશ અંબાણી $119.5 બિલિયન સાથે મોખરે છે, ત્યારબાદ ગૌતમ અદાણી $116 બિલિયન સાથે અને પછી સાવિત્રી જિન્દાલ આવે છે જેની સંપત્તિ $43.7 બિલિયન છે.