ભારતીય સેનાએ બુધવારે લદ્દાખના ઉંચાઈવાળા વિસ્તારમાં દેશી ટેકનોલોજી પર આધારિત આકાશ પ્રાઈમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરીને હવાઈ સંરક્ષણ ક્ષમતામાં મહત્વપૂર્ણ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. લદ્દાખની 15,000 ફૂટથી વધુ ઊંચાઈએ આવેલ દુષ્કર હવામાનમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને ભારતીય સેનાની એર ડિફેન્સ યુનિટ દ્વારા આ નવું મોડેલ સફળતાપૂર્વક પ્રયોગમાં મૂકાયું. આ સિસ્ટમે ખૂબ જ ઊંચી ગતિએ ઉડતા શત્રુ હવાઈ લક્ષ્યો પર સચોટ અને અસરકારક પ્રહાર કરીને પોતાની કાર્યક્ષમતા સાબિત કરી. આ સાથે જ આકાશ પ્રાઈમ સિસ્ટમને ભારતીય સેનાના ત્રીજા અને ચોથા એર ડિફેન્સ રેજિમેન્ટમાં સામેલ કરવાની તૈયારી થઈ રહી છે, જેનાથી શત્રુના હવાઈ હુમલાઓ સામે ભારતની રક્ષણશક્તિ વધુ મજબૂત બનશે.
આકાશ પ્રાઈમ એ DRDO દ્વારા વિકસિત સ્વદેશી સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન છે. તેમાં સ્વદેશી સક્રિય રેડિયો ફ્રિક્વન્સી સીકર, વધુ સચોટતા, તેમજ હિમાલયના પ્રદેશોમાં ભારે ઠંડીમાં પણ સુનિશ્ચિત કામગીરી જેવા મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. આ સિસ્ટમ લગભગ 25થી 30 કિમી અંતરે આવેલા લક્ષ્યોને નિશાન બનાવી શકે છે અને તે ખાસ કરીને પર્વતીય વિસ્તાર જેવી સ્થિતિમાં પણ સચોટ પ્રહારો કરવા માટે ડિઝાઇન કરાઈ છે. લદ્દાખ જેવી ઊંચી અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સરહદે આ સિસ્ટમ તૈનાત થવાને કારણે ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો મળ્યો છે કે ભારતીય સેના હવાઈ હુમલાના ખતરા સામે સંપૂર્ણપણે તૈયાર છે અને ટેકનોલોજીકલ રીતે સ્વાવલંભી બની રહી છે.
#IndianArmy has carried out successful trial of the indigenously developed Air Defence System "Akash Prime" at an altitude of over 15,000 feet in eastern Ladakh.
Akash Prime system will form the third and fourth regiments of the Akash Air Defence Systems in the Indian Army.… pic.twitter.com/HLkZ8ObKqW
— All India Radio News (@airnewsalerts) July 17, 2025
એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ માહિતી આપી હતી કે આકાશ પ્રાઈમ સિસ્ટમએ અગાઉ “ઓપરેશન સિંદૂર” દરમિયાન પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જ્યાં તેણે ચીની વિમાનો અને તુર્કી મૂળના ડ્રોન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં સફળતા મેળવી હતી. આ સિસ્ટમ વાસ્તવમાં આત્મનિર્ભર ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર પગલાંરૂપ છે. આકાશ સિસ્ટમને અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરની પશ્ચિમી સરહદો અને LoC (લાઇન ઓફ કંટ્રોલ) પર પણ સફળતાપૂર્વક તૈનાત કરવામાં આવી છે, જ્યાં તેણે પાકિસ્તાની ડ્રોન હુમલાઓને રોકવામાં સહકાર આપી રહ્યો છે.
આ મિડ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ અનેક દિશાઓમાંથી આવતાં અનેક લક્ષ્યોને એક સાથે ઓળખી અને તેમનાં પર પ્રહાર કરી શકે છે, જે તેને યુદ્ધકાળીન પરિસ્થિતિમાં અત્યંત ઉપયુક્ત અને સ્ટ્રેટેજિક રીતે અસરકારક બનાવે છે. તેમાં રીઅલ-ટાઇમ મલ્ટિ-સેન્સર ડેટા પ્રોસેસિંગ ટેકનોલોજી પણ છે, જેના કારણે આ સિસ્ટમની પ્રતિસાદ ક્ષમતા અને કાર્યક્ષમતા વધુ સુધરી છે. ભારતીય સેનાની સાથે વાયુસેનાએ પણ આ સિસ્ટમને ભારત-પાકિસ્તાન સરહદે વિવિધ મોખરાની ચોકીઓ પર તૈનાત કરી છે, જેનાથી સમગ્ર હવાઈ સુરક્ષા પ્રણાલી વધુ મજબૂત અને વિશ્વસનીય બની છે.
આ સફળ પરીક્ષણ માત્ર ટેકનિકલ સિદ્ધિ નહીં, પરંતુ એ વૈશ્વિક સ્તરે ભારતીય સંરક્ષણ ક્ષમતા અને આત્મનિર્ભરતાનો પ્રતિક પણ છે.