અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ કઠિન બનતી જઈ રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન વેપાર અને આર્થિક ક્ષેત્રે ભારત પર ભારે ટેરિફ લાદ્યા બાદ હવે શૈક્ષણિક ક્ષેત્રે પણ કડકાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વિઝા સંબંધિત નિયમોમાં કરાયેલી કડકાઈએ ભારતીય વિદ્યાર્થીઓ માટે નવા પડકારો ઊભા કર્યા છે. મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા જઈને અભ્યાસ સાથે પાર્ટ-ટાઈમ નોકરી કરીને પોતાના રહેવા-જમવાના ખર્ચ પુરા કરતા હતા. પરંતુ નવા નિયમો હેઠળ સરકાર તરફથી સતત તપાસ, હાજરીને લઈને કડક નિયમો અને ગેરકાયદેસર રોજગારી સામેની કાર્યવાહીના કારણે ઘણા વિદ્યાર્થીઓએ પોતાની નોકરી ગુમાવી દીધી છે.
સરકારી આંકડાઓ મુજબ તાજેતરમાં 4,700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે. આમાં મોટાભાગના કેસોમાં પૂરતી હાજરી ન હોવી અને નક્કી કરેલી મર્યાદા કરતાં વધારે કલાકો સુધી કામ કરવું મુખ્ય કારણ રહ્યું છે. લોસ એન્જલસમાં રહેતા 25 વર્ષીય વિદ્યાર્થીએ જણાવ્યું કે, તેની પાર્ટ-ટાઇમ રેસ્ટોરન્ટની નોકરી સરકારી તપાસને કારણે ગુમાવી દીધી, જેના કારણે તેને પોતાની જિંદગીના દૈનિક ખર્ચ કાઢવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. પહેલા તે અભ્યાસની સાથે દિવસના આઠ કલાક કામ કરીને સરળતાથી પોતાનો ખર્ચ ઉપાડી શકતો હતો, પરંતુ હવે આવકના સ્ત્રોત બંધ થતાં ભાડું અને ખાવા-પીવાના ખર્ચ માટે તેને પરિવાર પર આધાર રાખવો પડે છે.
એક અન્ય વિદ્યાર્થીએ જણાવ્યું કે, તેને નવી નોકરી તો મળી ગઈ છે, પરંતુ તેને દિવસમાં માત્ર ત્રણ કલાક જ કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આમ, તેની આવક એટલી ઘટી ગઈ છે કે ભાડું, કરિયાણું અને અન્ય જરૂરી વસ્તુઓનો ખર્ચ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ઘણા વિદ્યાર્થીઓ નાના ઘરોમાં ભેગા રહીને ખર્ચ વહેંચવા મજબૂર થયા છે. એક રૂમ કે બે રૂમના મકાનમાં પાંચ-છ વિદ્યાર્થીઓ સાથે રહેવું હવે સામાન્ય બાબત બની ગઈ છે.
એટલાન્ટામાં રહેતા 27 વર્ષના કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું કે, પહેલા તે મહિને લગભગ 1,200 ડોલર કમાતો હતો, જે તેની જરૂરિયાતો માટે પૂરતા હતા. પરંતુ નવા વિઝા નિયમોને કારણે હવે તેની આવક ફક્ત 300 ડોલર સુધી સીમિત થઈ ગઈ છે. આ કારણે તેને જીવનશૈલીમાં મોટા ફેરફારો કરવાના પડ્યા છે. એક તરફ આવક ઘટી રહી છે, બીજી તરફ અમેરિકામાં જીવનધોરણ ખર્ચાળ હોવાથી તેમના પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
આ કડક નિયમોના પ્રભાવ સત્તાવાર આંકડાઓમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. માર્ચ 2025 સુધીમાં ભારતમાંથી અમેરિકામાં સક્રિય વિદ્યાર્થી નોંધણીમાં વર્ષ-દર-વર્ષ 28%નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો દર્શાવે છે કે ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકાનું માહોલ હવે પહેલા જેટલું અનુકૂળ રહ્યું નથી. ટ્રમ્પ પ્રશાસનના આ પગલાંઓના કારણે અમેરિકા અભ્યાસ માટે જવાના ઇચ્છુક વિદ્યાર્થીઓમાં અચકાટ વધી રહ્યો છે અને ઘણા વિકલ્પરૂપે કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અથવા યુરોપના દેશોમાં અભ્યાસ કરવા પ્રાધાન્ય આપી રહ્યા છે.
એકંદરે જોવામાં આવે તો, કડક વિઝા નીતિઓ, વધતી સરકારી તપાસ, પાર્ટ-ટાઈમ નોકરીમાં મર્યાદાઓ અને જીવનનિર્વાહના વધેલા ખર્ચાને કારણે અમેરિકામાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનિશ્ચિત બની ગયું છે. આર્થિક તંગી અને વિઝા રદ થવાના જોખમને કારણે તેમનો અભ્યાસ અને કારકિર્દી બંને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel