ભારતીય અર્થતંત્ર માટે નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ત્રિમાસિક ગાળાની (એપ્રિલ-જૂન) કામગીરી અત્યંત સકારાત્મક રહી છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો છે, જે બજારના અંદાજ (6.7 ટકા) કરતાં ઘણો વધારે છે. ગયા વર્ષે આ જ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ 6.5 ટકા નોંધાઈ હતી, જ્યારે નાણાકીય વર્ષ 2025ના અંતિમ ત્રિમાસિક ગાળામાં તે 7.4 ટકા હતો. આ દર્શાવે છે કે અર્થતંત્ર સતત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે અને તેનું વલણ મજબૂત છે. ખાસ કરીને સેવા ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિને કારણે કુલ આર્થિક વૃદ્ધિ દરને મજબૂત આધાર મળ્યો છે. સેવા ક્ષેત્રે સતત વધતી માંગ, આઈટી-આઈટીઈએસ, પ્રવાસન, ટ્રાન્સપોર્ટેશન અને ફાઇનાન્સિયલ સેવાઓના સશક્ત પ્રદર્શનને કારણે ભારતની આર્થિક ગતિમાં વધુ તેજી આવી છે.
વાસ્તવિક ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) વૃદ્ધિ દર પણ આ જ ગાળામાં 7.6 ટકા નોંધાયો, જે ગયા વર્ષે કરતાં ઘણી વધારે છે. નોમિનલ જીડીપીમાં 8.8 ટકાનો વધારો થયો, જેનાથી રોકાણ અને ઉપભોગ ક્ષમતામાં વધારો જોવા મળ્યો છે. કૃષિ અને સંબંધિત ક્ષેત્રે 3.7 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે ગયા વર્ષે આ વૃદ્ધિ માત્ર 1.5 ટકા હતી. આ દર્શાવે છે કે મોસમી પરિસ્થિતિઓ અનુકૂળ રહી અને કૃષિ ઉત્પાદનક્ષમતા સુધરી છે. ઉત્પાદન ક્ષેત્રે 7.7 ટકાની વૃદ્ધિ નોંધાઈ, જ્યારે બાંધકામ ક્ષેત્રે 7.6 ટકાનો વધારો થયો, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસ અને રિયલ એસ્ટેટમાં વધતા રોકાણને દર્શાવે છે. જોકે, ખનન ક્ષેત્રમાં -3.1 ટકાની નકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે, જે આ ક્ષેત્રમાં પડકારો યથાવત રહેતા હોવાનું સૂચવે છે. વીજળી, ગેસ, પાણી પુરવઠા અને અન્ય યુટિલિટી સેવાઓમાં માત્ર 0.5 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ ક્ષેત્રોમાં હજુ વધુ સુધારા અને રોકાણની જરૂર છે.
On GDP, ASSOCHAM president Sanjay Nayar says, "India’s real GDP surged by a robust 7.8% in Q1 of FY 2025-26, well above the 6.5% recorded a year earlier, signalling strong momentum at the very start of the fiscal year. The services sector added further strength with 7.6% real GVA… https://t.co/mxLVeotvbD
— ANI (@ANI) August 29, 2025
ખાનગી અંતિમ વપરાશ ખર્ચ (PFCE) 7.0 ટકાથી વધ્યો, જોકે પાછલા નાણાકીય વર્ષના આ જ ગાળામાં તે 8.3 ટકા રહ્યો હતો. આ દર્શાવે છે કે લોકોના ઉપભોગમાં વૃદ્ધિ થઈ રહી છે, પરંતુ તેની ગતિ થોડું ધીમી પડી છે. તેમ છતાં, સરકારના વધતા ખર્ચ, મેન્યુફેક્ચરિંગ અને સેવા ક્ષેત્રે ઉછાળો મળીને અર્થતંત્રને મજબૂત ગતિ આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ મજબૂત આર્થિક આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા સુધીના ટેરિફ લગાવવામાં આવ્યા છે. વિશ્લેષકો માનતા હતા કે આ પગલાથી ભારતના નિકાસ આધારિત ઉદ્યોગોને નુકસાન થઈ શકે છે અને GDP વૃદ્ધિ દર પર નકારાત્મક અસર પડશે. પરંતુ તાજેતરના આંકડા બતાવે છે કે આંતરિક માંગ, સરકારની નીતિઓ અને રોકાણોમાં થયેલા વધારા કારણે ભારતનું અર્થતંત્ર આ પડકારો સામે મજબૂત રીતે ઉભું રહીને વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દર્શાવે છે કે ભારતની અર્થવ્યવસ્થા માત્ર વૈશ્વિક પરિસ્થિતિઓ પર નિર્ભર નથી, પરંતુ તેની આંતરિક શક્તિ અને નીતિગત દિશા તેને સ્થિરતા અને વૃદ્ધિ તરફ દોરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel