અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલી રહેલા ટ્રેડવૉર વચ્ચે ચીને અમેરિકન બોઇંગ કંપનીના 737 MAX વિમાનનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો છે. આ તકનો લાભ ઉઠાવતાં એર ઈન્ડિયા બોઈંગ કંપની પાસેથી આ વિમાનો ખરીદવાનું વિચારી રહી હોવાના અહેવાલો મળ્યા છે. એર ઇન્ડિયા વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધનો લાભ લેવા માટે સ્પર્ધા કરતી એશિયન એરલાઇન્સની યાદીમાં જોડાઈ છે.
ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાને માર્કેટમાં ફરી પાછી અગ્રણી બનવા તેમજ પકડ જમાવવા માટે વિમાનોની જરૂર છે. વિમાન બનાવતી અમેરિકન કંપની બોઈંગ ચીનની એરલાઈન્સ માટે 734 મેક્સ વિમાન તૈયાર કરી રહી હતી. પરંતુ ટેરિફવૉરના કારણે ચીને વિમાનના ઓર્ડર પાછાં ખેંચી લીધા છે. એવામાં એર ઈન્ડિયા આ બોઈંગ વિમાનો ખરીદવાની યોજના બનાવી રહી છે. ભૂતકાળમાં પણ એર ઈન્ડિયાએ ચીનની પીછેહટનો ફાયદો ઉઠાવ્યો હતો. માર્ચમાં તેણે ચીનની એરલાઈન્સ દ્વારા બનાવવામાં આવેલા કુલ 41737 મેક્સ જેટનો સ્વીકાર કર્યો હતો, જેનાં ડિલિવરી મોડલ 2019 ગ્રાઉન્ડિંગ બાદ સ્થગિત કરવામાં આવ્યા હતાં.
એર ઈન્ડિયા અને બોઈંગના પ્રતિનિધિઓએ આ મામલે ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. એક મીડિયા રિપોર્ટમાં મલેશિયાના એવિએશન ગ્રૂપ બીએચડી પણ ચીનના આ ખાલી પડેલા ડિલિવરી સ્લોટમાં વિમાન ખરીદવા બોઈંગ સાથે વાતચીત કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
ટ્રેડવૉરના લીધે મૂક્યા પ્રતિબંધો
અમેરિકા અને ડ્રેગન વચ્ચે ટ્રેડવૉર ચાલી રહ્યો છે. બંને એક-બીજા પર ટેરિફ વધારી રહ્યા હતાં. છેલ્લે અમેરિકાએ ચીન પર 245 ટકા ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. તેની પહેલાં ચીને અમેરિકાની પ્રોડક્ટ્સ પર 125 ટકા ટેરઇફ લાદ્યુ હતું. આ ટ્રેડવૉરના કારણે ચીને પોતાના પોર્ટ પર ઘણી પ્રોડક્ટ્સની નિકાસ અટકાવી દીધી છે. તેમજ અમેરિકામાંથી આવતાં 10 વિમાનોની ડિલિવરી પણ રદ કરી હતી.