પાકિસ્તાનની ફરી એક વખત નાપાક હરકત સામે આવી છે. તેણે આંતરરાષ્ટ્રીય સરહદે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને અરનિયા સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં BSFના બે જવાનો અને ચાર નાગરિકો ઘાયલ થયા હતા. જેના જવાબમાં BSF દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં સાત પાકિસ્તાની રેન્જર્સને ઠાર કરવામાં આવ્યા છે. ગઈકાલે મોડી રાતે પાકિસ્તાને જમ્મુમાં 5 ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં બિક્રમ પોસ્ટ પર તૈનાત કર્ણાટકના સૈનિક બસપરાજના હાથ અને જબ્બોવાલ પોસ્ટ પર તૈનાત સૈનિકને પગમાં ગોળી વાગી હતી. હાલ બંને જવાનોને જમ્મુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
BSFએ જાહેર કર્યો હાઈ એલર્ટ એરિયા
BSF દ્વારા કરવામાં આવેલ જવાબી ગોળીબાર અને સુરક્ષાની પરિસ્થિતિને ધ્યાને લઈને આ એરિયાને BSFએ હાઈ એલર્ટ જાહેર કર્યો છે. પોલીસે લોકોને તેમના ઘરમાં રહેવા માટે જ આગ્રહ કર્યો છે. મોડી રાત સુધી ચાલેલા ગોળીબારમાં પાકિસ્તાનના 25થી વધુ મોર્ટાર શેલ અરનિયા, સુચેતગઢ, સાઈ, જબ્બોવાલ અને ટ્રેવામાં પડ્યા. ફાયરિંગને જોતા અરનિયા હોસ્પિટલને એલર્ટ પર રાખવામાં આવી છે. અહીં 20 થી વધુ તબીબી કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીર ના કુપવાડા જિલ્લામાં ગુરુવારે મચ્છલ સેક્ટરમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સેનાએ આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવી હતી, જે અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરીને જાણકારી આપી હતી.