એશિયન ગેમ્સ 2026માં ભારતીય પુરુષ હોકી ટીમનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ભારતે Pool Aના પોતાના ત્રીજા મુકાબલામાં ચાર વખતના એશિયન ગેમ્સ ચેમ્પિયન દક્ષિણ કોરિયાને 8-2ના મોટા અંતરથી હરાવી સતત ત્રીજી જીત નોંધાવી છે. અભિષેક અને દિલપ્રીત સિંહે 2-2 ગોલ કરીને ભારતની મોટી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ જીત સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે Pool Aમાં પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે. અગાઉ ભારતે ઈન્ડોનેશિયાને 13-1 અને શ્રીલંકાને 16-1થી હરાવ્યું હતું. ત્રણ મેચમાં ભારતીય ટીમે કુલ 37 ગોલ કર્યા છે અને માત્ર 4 ગોલ ખાધા છે.
પહેલા ક્વાર્ટરમાં જ ભારતે કોરિયા પર બનાવ્યું દબાણ
ભારતે મેચની શરૂઆતથી જ આક્રમક હોકી રમી હતી. શિલાનંદ લાકરાએ ચોથી મિનિટે ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. ત્યારબાદ સુખજીત સિંહે 10મી મિનિટે ગોલ કર્યો અને કેપ્ટન હરમનપ્રીત સિંહે 11મી મિનિટે વધુ એક ગોલ કરીને ભારતની લીડ 3-0 કરી દીધી.
પ્રથમ ક્વાર્ટરના અંતિમ તબક્કામાં અભિષેકે 15મી મિનિટે ગોલ કરીને સ્કોર 4-0 કર્યો હતો. માત્ર 15 મિનિટમાં ચાર ગોલ કરીને ભારતીય ટીમે દક્ષિણ કોરિયા પર જબરદસ્ત દબાણ ઊભું કરી દીધું હતું.
અભિષેક અને દિલપ્રીત સિંહના 2-2 ગોલ
બીજા ક્વાર્ટરમાં પણ ભારતીય ટીમનું આક્રમણ ચાલુ રહ્યું. દિલપ્રીત સિંહે 26મી મિનિટે પોતાનો પ્રથમ ગોલ કરીને ભારતને 5-0થી આગળ કર્યું હતું.
ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં દિલપ્રીતે 32મી મિનિટે વધુ એક ગોલ કરીને પોતાનો બીજો ગોલ નોંધાવ્યો અને સ્કોર 6-0 કર્યો. ત્યારબાદ 38મી મિનિટે અભિષેકે પોતાનો બીજો ગોલ કરીને ભારતને 7-0ની વિશાળ લીડ અપાવી હતી.
દક્ષિણ કોરિયાના વાપસીના પ્રયાસ નિષ્ફળ
સાત ગોલથી પાછળ પડ્યા બાદ દક્ષિણ કોરિયાએ સ્કોર ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. 42મી મિનિટે કિમ જાએ હોએ કોરિયા માટે પહેલો ગોલ કર્યો, જ્યારે 52મી મિનિટે કિમ યોંગ બોકે બીજો ગોલ નોંધાવ્યો.
જોકે, ભારતની મોટી લીડ સામે કોરિયાની વાપસી શક્ય બની નહોતી. મેચની 60મી મિનિટે રાજિન્દર સિંહે ભારત માટે આઠમો ગોલ કરીને અંતિમ સ્કોર 8-2 કર્યો હતો.
ત્રણ મેચમાં ભારતના 37 ગોલ
એશિયન ગેમ્સ 2026માં ભારતીય પુરુષ હોકી ટીમે અત્યાર સુધી જબરદસ્ત આક્રમક રમત બતાવી છે. ભારતે પોતાના પ્રથમ Pool A મુકાબલામાં ઈન્ડોનેશિયાને 13-1થી હરાવી અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી હતી. દિલપ્રીત સિંહે આ મેચમાં ચાર ગોલ કર્યા હતા.
બીજી મેચમાં ભારતે શ્રીલંકા સામે 16-1થી એકતરફી જીત મેળવી હતી. આ મેચમાં જુગરાજ સિંહે ચાર ગોલ કર્યા હતા, જ્યારે અભિષેક અને દિલપ્રીત સિંહે હેટ્રિક નોંધાવી હતી.
હવે દક્ષિણ કોરિયાને 8-2થી હરાવ્યા બાદ ભારતના ત્રણ મેચમાં કુલ 37 ગોલ થઈ ગયા છે. ત્રણેય મુકાબલામાં ભારતે મોટા અંતરથી જીત મેળવીને ટૂર્નામેન્ટમાં પોતાની દાવેદારી વધુ મજબૂત કરી છે.
હવે જાપાન સામે ભારતનો મુકાબલો
ભારતીય પુરુષ હોકી ટીમ હવે 26 સપ્ટેમ્બરે યજમાન જાપાન સામે Pool Aનો આગામી મુકાબલો રમશે. ત્યારબાદ 28 સપ્ટેમ્બરે ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત આ વખતે પોતાનું એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ જાળવી રાખવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતર્યું છે. ઈન્ડોનેશિયા, શ્રીલંકા અને હવે દક્ષિણ કોરિયા સામે મળેલી સતત ત્રણ મોટી જીતથી ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel