હમાસ સામેના યુધ્ધમાં અમેરિકાએ ઈઝરાયેલને અભૂતપૂર્વ સહકાર આપ્યો છે. અમેરિકાએ ઈઝરાયેલ માટે જે રીતે નિવેદનો આપ્યા છે તેવા કદાચ કોઈ દેશ માટે નથી આપ્યા.
હમાસના હુમલા અને ઈઝરાયેલના વળતા પ્રહાર વચ્ચે ઈઝરાયેલ પહોંચેલા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને કહ્યુ છે કે, હું અહીંયા અમેરિકાનો સંદેશો લઈને આવ્યો છું કે, જ્યાં સુધી અમેરિકા છે ત્યાં સુધી ઈઝરાયેલે પોતાની સુરક્ષાની ચિંતા કરવાની જરૂર નથી. ઈઝાયેલ પોતે પોતાની રક્ષા કરી શકવા માટે સક્ષમ છે પણ અમેરિકા છે ત્યાં સુધી તેણે કોઈ જાતની ચિંતા કરવાની રહેતી નથી.
બ્લિન્કને કહ્યુ હતુ કે હું બહુ કપરા સમયમાં ઈઝરાયેલ પાછો આવ્યો છું. માર્યા ગયેલા લોકોની તસવીરો જોવી પણ મારા માટે શક્ય નથી. બાળકોને મારવામાં આવ્યા છે, તેમના મૃતદેહોને પીંખવામાં આવ્યા છે. મહિલાઓનો રેપ કરાયો છે અને યુવા લોકોને જીવતા સળગાવાયા છે. બાળકોની સામે મોટાઓને અને મોટાઓની સામે બાળકોની બહત્યા કરવામાં આવી છે. દુનિયામાં જે પણ શાંતિ અને ન્યાયની તરફેણ કરે છે તેણે હમાસના આતંક રાજની નિંદા કરવી જ પડશે. હમાસનો એકમાત્ર એજન્ડા ઈઝરાયેલનો બરબાદ કરવાનો અને યહૂદીઓની હત્યા કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલની બદલાની આગમાં હવે ગાઝા સળગી રહ્યુ છે. ઈઝાયેલના હુમલામાં અત્યાર સુધી 7000 લોકો ઘાયલ થઈ ચુકયા છે. ગાઝાની હોસ્પિટલમાં જીવ બચાવવા માટે 2000 લોકોએ શરણ લીધુ છે. ઈઝરાયેલમાં પણ હમાસના હુમલામાં મોતને ભેટનારા લોકોની સંખ્યા 1300 થઈ ગઈ છે.