ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં સતત 12મા દિવસે પણ યુદ્ધની સ્થિતિ યથાવત્ છે ત્યારે અત્યાર સુધીમાં આ ભીષણ યુદ્ધમાં સાડા ચાર હજારથી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. માત્ર 4 કલાક માટે ઈઝરાયલની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ બાયડેન પણ કહી ગયા કે અમે ઈઝરાયલ ની પડખે છીએ અને રોકેટ એટેક મામલે ઈઝરાયલને ક્લિનચીટ આપતાં કહ્યું કે તેને પોતાના સેલ્ફ ડિફેન્સનો પૂરો અધિકાર છે. આ સાથે અમેરિકાએ હમાસ પર પ્રતિબંધ મૂકી દીધો. જોકે આ દરમિયાન ગાઝામાં (Gaza Hospital attack) મર્યાદિત માત્રામાં માનવીય સહાય પહોંચાડવાનો માર્ગ પર મોકળો થયો.
મર્યાદિત માત્રામાં મદદ પહોંચાડવા ઈઝરાયલ સહમત
દરમિયાન રાષ્ટ્રપતિ બાયડેનના આહ્વાન પર ઈઝરાયલે ઈજિપ્તને ગાઝા પટ્ટીમાં મર્યાદિત માત્રામાં માનવીય સહાય પહોંચાડવાની મંજૂરી આપ્યાની જાહેરાત કરી દીધી. જ્યારે ગાઝાના પીડિતો માટે મદદની જાહેરાત પણ અમેરિકા તરફથી કરાઈ છે પણ અમેરિકાના આ પ્રસ્તાવ પર ઈઝરાયલે ત્રણ શરતો મૂકી છે.
અમેરિકાએ ગાઝા અને વેસ્ટ બેન્ક માટે કરી મોટી જાહેરાત
અમેરિકી રાષ્ટ્રપતિ તરફથી જાણકારી અપાઈ છે કે તેમણે ગાઝા અને વેસ્ટ બેન્કમાં માનવીય સહાય માટે 100 મિલિયન ડૉલરની જાહેરાત કરી છે. આ ફંડથી 10 લાખથી વધુ વિસ્થાપિત અને સંઘર્ષ પ્રભાવિત પેલેસ્ટિની નાગરિકોની મદદ થશે. બાયડેને કહ્યું કે અમારી પાસે એવું તંત્ર હશે જે આ સહાયને જરૂરિયાતમંદ સુધી પહોંચડશે, હમાસ કે આતંકી સમૂહો સુધી નહીં.
ઈઝરાયલે આ શરતો મૂકી…
1. જ્યાં સુધી અમારા બંધકો પાછા નહીં આવે ઈઝરાયલ તેના ક્ષેત્રથી ગાઝા પટ્ટી સુધી કોઈ પણ માનવીય સહાયની મંજૂરી નહીં આપે.
2. ઈઝરાયલ તેના કેદીઓ સાથે રેડ ક્રોસની મુલાકાતની માગ કરે છે અને આ માગ માટે વ્યાપક આંતરરાષ્ટ્રીય સમર્થન એકત્રિત કરવા કામ કરી રહ્યું છે.
3. બાયડેનના આગ્રહ પર ઈઝરાયલે ઈજિપ્તને માનવીય સહાય કરતા નહીં રોકે પણ આ મદદ ફક્ત ગાઝા પટ્ટીમાં રહેતા નાગરિકોની વસતી માટે ભોજન, પાણી અને દવાની મદદ હશે. આ મદદ હમાસ સુધી ન પહોંચવી જોઈએ.
યુએનએસસીના પ્રસ્તાવ પર અમેરિકાનો વીટો
સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં બ્રાઝિલના પ્રસ્તાવ પર વોટિંગ થયું. આ પ્રસ્તાવમાં ઈઝરાયલ પર હિંસાની ટીકા કરાઈ હતી. સાથે જ ગાઝામાં પેલેસ્ટિનીઓને માનવીય સહાય આપવા આગ્રહ કરાયો હતો. જોકે અમેરિકાએ આ પ્રસ્તાવ પર વીટો કરી દીધો. પ્રસ્તાવની તરફેણમાં 12 વોટ આવ્યા. જ્યારે રશિયા અને બ્રિટન ગેરહાજર રહ્યા હતા.