આતંકવાદી સંગઠને હુમલો કર્યા બાદ વળતો જવાબ આપવા માટે ઈઝરાયેલે શરૂ કરેલા હવાઈ હુમલાઓ હજુ બંધ થયા નથી. શનિવારે (14 ઓક્ટોબર) સવારે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સીસે (IDF) જણાવ્યું કે, ગાઝામાં કરેલી આ એરસ્ટ્રાઈકમાં હમાસ એરફોર્સનો ચીફ મુરાદ અબુ મુરાદ માર્યો ગયો છે.
IDFના જણાવ્યા અનુસાર, શુક્ર-શનિવારની રાત્રે પણ ઇઝરાયેલી વાયુસેનાએ એરસ્ટ્રાઈક ચાલુ રાખી હતી. આ કાર્યવાહીમાં ગાઝા સ્થિત હમાસની એરિયલ એક્ટિવિટી જ્યાંથી થાય છે તે હેડક્વાર્ટરને નિશાન બનાવવામાં આવ્યું. આ હુમલો થયો ત્યારે આતંકવાદી અને હમાસ એરફોર્સનો ચીફ મુરાદ ત્યાં હાજર હતો. જે માર્યો ગયો છે. સેનાએ એક વીડિયો પણ શૅર કર્યો છે, જેમાં આ કાર્યવાહી થતી બતાવવામાં આવી છે.
IDF says that in an overnight airstrike in the Gaza Strip, the head of Hamas's aerial array, Murad Abu Murad, was killed. The strike targeted a headquarters from which the terror group managed its aerial activity, according to the IDF. pic.twitter.com/KqYjDCqrTX
— Emanuel (Mannie) Fabian (@manniefabian) October 14, 2023
ઈઝરાયેલે એ પણ જણાવ્યું કે, ગયા અઠવાડિયે ઇઝરાયેલી નાગરિકોનો જે નરસંહાર થયો હતો તેમાં આતંકવાદીઓને દોરવણી આપવામાં અબુ મુરાદનો મોટો હાથ હતો. ઉપરાંત, જે આતંકવાદીઓ પેરાગ્લાઈડિંગ કરીને ઈઝરાયેલમાં ઘૂસી આવ્યા હતા તેમને પણ તેણે જ મોકલ્યા હતા.
ઇઝરાયેલી સેના અનુસાર, શુક્ર અને શનિવારની આ એરસ્ટ્રાઈકમાં હમાસનાં અન્ય પણ ઘણાં ઠેકાણાં ધ્વસ્ત કરવામાં આવ્યાં છે અને અનેક આતંકવદીઓને મારી નાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગાઝાની સરહદો અને એરસ્પેસ ઇઝરાયેલના કબ્જામાં રહે છે.
લેબનાન સરહદે હિઝબુલ્લા આતંકવાદીઓ ઠાર
બીજી તરફ, ઉત્તર સરહદે પણ ઇઝરાયેલની સેના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાને જડબાતોડ જવાબ આપી રહી છે. શનિવારે સવારે સેનાએ લેબનાન સરહદેથી ઇઝરાયેલમાં પ્રવેશવા મથતા ત્રણથી ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સેનાએ ડ્રોન મોકલ્યાં હતાં, જેમાં આ આતંકવાદીઓ સરહદ પાર કરીને ઘૂસતા જોવા મળ્યા. ત્યારબાદ ઑપરેશન લૉન્ચ કરીને સફાયો કરવામાં આવ્યો હતો.
ગાઝામાં જમીની આક્રમણ લગભગ નક્કી
આ બધા વચ્ચે સમાચાર એવા છે કે ઇઝરાયેલ હવે ગાઝામાં જમીની આક્રમણ કરે તે લગભગ નક્કી છે. જોકે, સેનાએ હજુ મગનું નામ મરી પાડ્યું નથી પરંતુ અનેક રિપોર્ટ્સમાં તેની પુષ્ટિ કરવામાં આવી છે. બીજી તરફ, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસે ગાઝાના નાગરિકોને ઉત્તર ભાગ છોડીને દક્ષિણ તરફ જવા માટે આદેશ આપી દીધો છે. જેથી આ સંભાવનાઓ વધુ પ્રબળ બની છે.
શનિવારે ફરી IDFએ ગાઝાના નાગરિકોને સંદેશ મોકલીને કહ્યું કે, તમારી અને તમારા પરિજનોની ચિંતા હોય તો કહેવામાં આવ્યું છે એટલું કરો અને દક્ષિણ તરફ ચાલ્યા જાઓ. હમાસના આતંકવાદીઓ આ ક્ષેત્રમાં છુપાયા છે અને હુમલાઓથી બચવા માટે કવર લઈને બેઠા છે. સેનાએ ગાઝાના નાગરિકોને જણાવ્યું છે કે તેઓ સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી વિના અડચણે દક્ષિણ તરફ સ્થળાંતર કરી શકશે. જેથી વહેલામાં વહેલી તકે તેઓ ચાલ્યા જાય.
ઈઝરાયેલે યુએનને પણ જણાવ્યું છે કે ઉત્તરની તમામ વસતી ખાલી કરી દેવામાં આવે, પરંતુ યુએનનું કહેવું છે કે તે અશક્ય બાબત છે અને ઇઝરાયેલ જે કાંઈ યોજના બનાવતું હોય તેની ઉપર પુનર્વિચાર કરે. જોકે, ઇઝરાયેલ તેમનું સાંભળતું નથી.