ભાજપની એક દિવસ જૂની ઓડિશા સરકારે મોટો નિર્ણય કર્યો છે. ગુરુવારે જગન્નાથ પુરી મંદિરના ચારેય કપાટ ખોલી દેવાયા છે. એક દિવસ પહેલા જ તેના સંબંધિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેના પર આજે સવારે મંજૂરીની મોહર મારી દેવાઈ. ખાસ વાત એ છે કે ભાજપે ઓડિશા વિધાનસભા ચૂંટણી પહેલા મંદિરના દરવાજા ખોલવાનો વાયદો કર્યો હતો.
નવા મુખ્યમંત્રીએ કરી હતી પૂજા
ગુરુવારે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ મંદિરમાં પૂજા કરી હતી. આ દરમિયાન ભાજપના સાંસદ સંબિત પાત્રા, પ્રતાપ ચંદ્ર સારંગી સહિત અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા. તેમણે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તમામ કપાટ ખોલવા અંગે જાણકારી આપી હતી.
મંદિર માટે મોટું ફંડ જાહેર કરવાની તૈયારી
તેમણે કહ્યું કે અમે કાલે કેબિનેટની બેઠકમાં જગન્નાથ મંદિરના ચારેય કપાટ ખોલી નાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આજે સવારે 6:30 મિનિટ પર આ પ્રસ્તાવને મંજૂરી મળી. મેં મારા ધારાસભ્યો અને પુરીના સાંસદ સાથે મંગળા આરતીમાં જોડાયો. તેમણે કહ્યું કે આગામી બજેટમાં મંદિરના મેનેજમેન્ટ માટે 500 કરોડ રૂપિયાના ફંડની ફાળવણી પણ કરાશે.