એન્જિનિયરિંગ ક્ષેત્ર માટેની પ્રવેશ પરીક્ષા JEE મેઈન 2025 સેશન-2 બે એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષા 9 એપ્રિલ 2025 સુધી ચાલશે, જેમાં લાખો વિદ્યાર્થીઓ પોતાના સપના સાકાર કરવા માટે ભાગ લેશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પરીક્ષા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. જેનું પાલન બધા ઉમેદવારો માટે જરૂરી રહેશે. ઉમેદવારો jeemain.nta.nic.in પરથી તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
પરીક્ષાનું સમયપત્રક અને કેન્દ્રની વિગતો
JEE મેઈન 2025 સેશન 2ના BE/BTech પેપર 1નું આયોજન ભારતમાં 284 કેન્દ્રો અને 15 વિદેશી કેન્દ્રો પર થશે.
સવારની શિફ્ટ: સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી
બપોરની શિફ્ટ: બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી
પરીક્ષા પેટર્નમાં ફેરફાર
આ વખતે NTA એ પરીક્ષા પેટર્નમાં ફેરફાર કર્યો છે. હવે વિભાગ B માં કોઈ વૈકલ્પિક પ્રશ્નો રહેશે નહીં. બધા 5 પ્રશ્નોના જવાબ આપવા જરૂરી રહેશે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓએ દરેક પ્રશ્નના જવાબ આપવા માટે સારી તૈયારી કરવી પડશે.
આ વ્યૂહરચનાઓ અપનાવો
JEE મેઇન પરીક્ષામાં દરેક ખોટા જવાબ માટે 1 ગુણ કાપવામાં આવે છે. એટલા માટે જો તમને કોઈ પ્રશ્નનો સાચો જવાબ ખબર ન હોય તો તેને છોડી દેવાનું વધુ સારું રહેશે. અનુમાન લગાવવાનું ટાળો કારણ કે તેનાથી વધુ ગુણ કપાઈ શકે છે. જો કોઈ વિકલ્પ વિશે કોઈ શંકા હોય તો પ્રશ્ન છોડી દેવો વધુ સુરક્ષિત રહેશે.
આ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા છે
-પરીક્ષાના ઓછામાં ઓછા 1 કલાક પહેલા પહોંચવું ફરજિયાત રહેશે. ગેટ બંધ થયા પછી કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં.
-પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે એડમિટ કાર્ડ અને આધાર કાર્ડ જરૂરી રહેશે.
-પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓએ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને ડાબા અંગૂઠાની છાપ સાથે સ્વ-ઘોષણા પત્ર સબમિટ કરવાનું રહેશે.
-પરીક્ષા ખંડમાં ઉમેદવારોને પેન/પેન્સિલ અને રફ શીટ આપવામાં આવશે જેના પર નામ અને રોલ નંબર લખવો જરૂરી રહેશે. પરીક્ષા પૂર્ણ થયા પછી આ શીટ પરત કરવાની રહેશે.
-દિવ્યાંગ શ્રેણીના વિદ્યાર્થીઓએ તેમનું દિવ્યાંગનું પ્રમાણપત્ર અને ઓળખપત્ર સાથે લાવવાનું રહેશે.