કપડવંજની ઓળખ સમાન કુંડવાવ અને કિર્તિ તોરણનું રેસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે. જેના માટે કપડવંજના ગૌરવ સમાન કિર્તિ તોરણને સંપૂર્ણ ઉતારી લેવામાં આવ્યો છે.
વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડના સહકારથી કીર્તિ તોરણ અને કુંડવાવનું રિસ્ટોરેશન કરાઈ રહ્યું છે. સર્વેક્ષણમાં તોરણ લગભગ ૧૫ ડીગ્રી જેટલું નમી ગયેલું જણાયું હતું. સેપ્ટ એડવાઈઝરી ફાઉન્ડેશન અને સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન દ્વારા આ કાર્યમાં સૌ પ્રથમ આ કીર્તિમાળને તેની કમાન તથા બંને થાંભલાઓના ભાગને નંબર આપીને તબક્કાવાર સેન્ટરીંગ-પાલકની સહાયથી સંપૂર્ણ નીચે ઉતારી લેવામાં આવ્યાં છે. કીર્તિ માળને નુકસાન થયેલ ખાંચાખુંચીનું પણ સમારકામ કરાશે. સક્ષમ લેબોરેટરીમાં તેના અવશેષો માટે પ્રયોગો હાથ ધરીને ફરીથી આ સ્થાપત્યની પુન: સ્થાપના કરવામાં આવશે. તોરણની પ્રતિભા ઝાંખી પડી ગઈ હતી. જેમાં 11મી સદીના પથ્થર જેવા પથ્થરો વપરાશે. કીર્તિ તોરણ ઉપરાંત પગથિયાં આજુબાજુના ગુંબજ સહિત તમામ વારસાને ગરિમા જળવાઈ રહે તે રીતે રિસ્ટોરેશન હાથ ધરવામાં આવ્યું છે
વાવના પાણીને શેવાળ મુક્ત કરવા 3 ઋતુમાં અલગ-અલગ સેમ્પલ લઈ સંશોધન કરાશે. હાલ કુંડવાવમાં ભરાઈ રહેલ પાણી ખૂબ જ ગંદુ હોવાનું લેબોરેટરી ટેસ્ટમાં જણાયું છે. નજીકના દુકાનદાર ધ્વારા ઠલવાતું એઠવાડ અને પાણી આનુ કારણ હોય શકે ?. વાવના પાણીના 3 ઋતુમાં સેમ્પલ લેવામાં આવશે અને શેવાળ કેમ થાય છે તેનું સંશોધન કરવામાં આવશે. આ ઉપરાંત સ્થાપત્યને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય કે તેની ગરિમા જળવાય તે રીતે તેનું સમારકામ કરવામાં આવશે. હાલમાં આ પ્રોજેકટ માટે સર્વેની કામગીરી બાદ ઐતિહાસિક ધરોહર અને પૌરાણિક વાવની કાયાપલટ માટે એક વિશેષ ટીમ કામે લાગી છે.
અલબત્ત, આ પ્રક્રિયામાં આ પૌરાણિક અવશેષોની મૌલિકતા-અસલીયતા અંગે પ્રજાજનોમાં કુતુહલ સર્જાયું છે.