કપડવંજમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસ્યો હતો. આજે સવારે 06:00 થી 10 વાગ્યા સુધીમાં છ ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના અને તાલુકાના વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. પંથકમાં બે દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં કેટલીક જગ્યાએ નાના-મોટા ઝાડ પણ જમીન દોસ્ત થઈ ગયા હતાં. અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થયા હતાં. શહેરના રત્નાકર રોડ પર આવેલ દશામાના મંદિર પાસેની તલાવડી ઓવરફલો થતાં રોડ પર એક ફૂટથી વધુ પાણી ભરાયા હતાં. ઉપરાંત રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી, માણેકબાગ સોસાયટી પાણી પાણી થઈ ગયા હતાં. શહેરની એચ.એમ કોલોનીના અનેક ઘરોમાં પણ એક ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદના પગલે પંથકમાં શાળા કોલેજોમાં પાંખી હાજરી જોવા મળી હતી. વહેલી સવારથી વરસાદ વરસવાના કારણે અનેક દુકાનદારોએ પણ સ્વયંભૂ બંધ પાડ્યો હતો, જેથી બજારો પણ સુમસામ જણાતા હતાં. તાલુકાના આતરસુંબા ગામમાં મહાકાળીના મંદિર પાસે આવેલ વાલ્મિકી વાસમાં ઘરોમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રિપોર્ટર સુરેશ પારેખ(કપડવંજ )