કેદારનાથએ ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે, જે બાર જ્યોતિર્લિગો પૈકીનું એક શ્રી કેદારનાથ મંદિર પ્રખ્યાત છે. હિમાલય ક્ષેત્રમાં આવેલું કેદારનાથ ધામ લગભગ 6 મહિના બંધ રહે છે અને ઉનાળામાં ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવે છે. આજે શુક્રવાર, 2 મે 2025 ના રોજ સવારે 7:00 વાગ્યે વિધિપૂર્વક વિધિ સાથે ભગવાન કેદારનાથ ધામના દરવાજા સામાન્ય ભક્તોના દર્શન માટે ખોલવામાં આવ્યા છે.
આજે પહેલા જ દિવસે મોટી સંખ્યામાં ભક્તો બાબા કેદારનાથ તેમજ અખંડ જ્યોતિના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભગવાન શિવજીના આ ધામનો ઇતિહાસ ભગવાન વિષ્ણુના અવતાર નર-નારાયણ, પાંડવો અને આદિગુરુ શંકરાચાર્ય સાથે જોડાયેલો છે. આવો કેદારનાથ ધામ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીએ…
નર-નારાયણની ભક્તિથી પ્રસન્ન થયા હતા ભગવાન શિવ
કેદારનાથ ધામ અંગે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. શિવપુરાણના કોટિરુદ્ર સંહિતામાં લખ્યું છે કે, પ્રાચીન સમયમાં બદરીવનમાં ભગવાન વિષ્ણુના અવતાર નર-નારાયણે પાર્થિવ શિવલિંગ બનાવીને દરરોજ તેની પૂજા કરતા હતા. નર-નારાયણની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અહીં પ્રગટ થઈને શિવે નર-નારાયણને વરદાન માંગવા કહ્યું હતું. ત્યારે નર-નારાયણે વરદાન માંગ્યું કે, ભગવાન શિવ કાયમ માટે અહીં રહે, જેથી અન્ય ભક્તો પણ સરળતાથી ભગવાન શિવના દર્શન કરી શકે. એટલે ભગવાન શિવે નર-નારાયણને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે, ‘હું અહીં નિવાસ કરીશ અને આ વિસ્તાર કેદાર તરીકે ઓળખાશે.’
પાંડવો સાથે જોડાયેલી બીજી માન્યતા
અન્ય એક દંતકથા પ્રમાણે મહાભારત યુદ્ધ સમાપ્ત થયા પછી પાંડવો, કૌરવો અને અન્ય ભાઈઓની હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હતા. જેના માટે તેઓ ભગવાન શિવની શોધમાં હિમાલય તરફ પ્રયાણ કર્યું. પાંડવોને આવતા જોઈને ભગવાન શિવ અંર્તધ્યાન થઈ ગયા અને કેદારનાથમાં જઈને બેસી ગયા. જ્યારે પાંડવોને આ વાતની ખબર પડી ત્યારે તેઓ પણ કેદારનાથ પર્વત પર પહોંચી ગયા.
પાંડવોને જોઈ ભગવાન શિવે ભેંસનું રૂપ ધારણ કર્યું
જ્યારે પાંડવો કેદાર પર્વત પર પહોંચ્યા તો ભગવાન શિવે તેમને જોઈને ભેંસનું રૂપ ધારણ કર્યું અને પ્રાણીઓની વચ્ચે જતા રહ્યા. પાંડવોએ ભગવાન શિવના દર્શન કરવાની યોજના બનાવી. ત્યારબાદ ભીમે એક વિશાળ રૂપ ધારણ કર્યું અને કેદાર પર્વત પર તેના બંને પગ ઉપર ફેલાવ્યા. બધા પ્રાણીઓ ભીમના પગમાંથી પસાર થયા, પરંતુ જ્યારે ભગવાન શિવ ભેંસના રૂપમાં પગમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભીમે તેમને ઓળખી લીધા.
ભગવાન શિવને ઓળખીને ભીમે ભેંસને પકડવાની કોશિશ કરી. ભીમે ખૂબ જ ઝડપથી ભેંસનો પાછળનો ભાગ પકડી લીધો. ભગવાન શિવ પાંડવોની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને દર્શન આપીને તેમના પાપોમાંથી મુક્તિ કર્યા. એવું કહેવાય છે કે, ત્યારથી અહીં ભગવાન શિવની પૂજા ભેંસની પીઠના રૂપમાં થાય છે. એવું માનવામાં આવે છે કે, ભેંસનું મુખ નેપાળમાં નીકળ્યું હતું. જ્યાં ભગવાન શિવને પશુપતિનાથ તરીકે પૂજવામાં આવે છે.
આદિ શંકરાચાર્યે કર્યો હતો મંદિરનો જીર્ણોદ્ધાર
કેદારનાથ ધામમાં સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે. એવી માન્યતા છે કે, સ્વયંભૂ શિવલિંગનો અર્થ એ છે કે જે સ્વયં પ્રગટ થાય છે. એવું કહેવાય છે કે, કેદારનાથ મંદિરનું નિર્માણ પાંડવ રાજા જન્મેજય દ્વારા કરવામાં આવ્યું હતું અને બાદમાં આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.