અબજોપતિ ઉદ્યોગપતિ અને ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. મસ્કે કહ્યું હતું કે તેમની કંપનીઓ ભારતમાં કામ કરવા ઉત્સુક છે. મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, ‘નરેન્દ્ર મોદી, વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં તમારી જીત બદલ અભિનંદન. મારી કંપનીઓ ભારતમાં કામ કરવા આતુર છે.’
Congratulations @narendramodi on your victory in the world’s largest democratic elections! Looking forward to my companies doing exciting work in India.
— Elon Musk (@elonmusk) June 7, 2024
આ પહેલા શુક્રવારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન રાષ્ટ્રપતિએ મોદીને વડાપ્રધાન પદ માટે નોમિનેટ કર્યા હતા. તેઓ રવિવારે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા તૈયાર છે. મોદીના નેતૃત્વમાં NDAએ 543 લોકસભા સીટોમાંથી 293 સીટો જીતી છે. એ તો તમે જાણો જ છો કે ચૂંટણી પહેલા મસ્કે ભારતની મુલાકાતની જાહેરાત કરી હતી. જોકે, બાદમાં તેમણે પોતાનો ભારત પ્રવાસ સ્થગિત કરી દીધો હતો.
ગયા વર્ષે જૂનમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા, ત્યારે એલોન મસ્ક તેમને મળ્યા હતા. આ દરમિયાન પોતાને મોદીના પ્રશંસક ગણાવતા મસ્કે કહ્યું હતું કે ટેસ્લા ભારતમાં રોકાણ કરશે. ટેસ્લા કંપનીએ ગયા વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે તે 24,000 ડૉલરની કિંમતની EVsનું ઉત્પાદન કરવા માટે ભારતમાં ફેક્ટરી ખોલવામાં રસ ધરાવે છે.
એલોન મસ્કે 2019ની શરૂઆતમાં ભારતમાં રોકાણ કરવા માટે સૌપ્રથમ રસ દર્શાવ્યો હતો. જો કે, તેમણે ઊંચા આયાત કર અંગે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ ભારત સરકાર સ્પષ્ટપણે કહ્યું હતું કે જો ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે તો જ રાહતો પર વિચાર કરવામાં આવશે. સરકારે ટેસ્લાને ભારતમાં ચીની બનાવટની કાર વેચવાની પરવાનગી આપી નથી. સરકારે એલોન મસ્કની કંપનીને દેશમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા કહ્યું હતું જેથી સ્થાનિક વેચાણ અને નિકાસ માટે ઉત્પાદન કરી શકાય.