દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) હાલમાં દિવસોમાં ઘણી ચર્ચામાં છે. સંસદથી લઈને રોકાણકારો સુધી દરેક જગ્યાએ LICની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન અદાણીના રોકાણ પર LIC ચીફ સિદ્ધાર્થ મોહંતી તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે પહેલા તો સંસદમાં PM નરેન્દ્ર મોદીનો LIC પર વિશ્વાસ કરવા બદલ આભાર માન્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, અદાણીની કંપનીમાં રોકાણ કરીને LIC ને કોઈ નુકસાન થયું નથી.
LICની જવાબદારીમાં વધારો થયો
LIC ચીફ સિદ્ધાર્થ મોહંતી કહ્યું કે, LIC રોકાણકારોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે અનેક પ્રયાસ કરી રહ્યુ છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારથી પીએમ મોદીએ સંસદમાં LICની પ્રશંસા કરી છે, ત્યારથી રોકાણકારો, પોલિસી હોલ્ડર્સ અને શેર હોલ્ડર્સ પ્રત્યે તેની જવાબદારીમાં વધારો થયો છે.
અદાણીમાં રોકાણ કરવાથી કોઈ નુકસાન થયું નથી
એલઆઈસીના ચીફ સિદ્ધાર્થ મોહંતીએ કહ્યું કે, અમે કોઈ એક કંપની વિશે વાત કરવા માંગતા નથી, પરંતુ અદાણીની કંપનીમાં રોકાણ કરીને LIC ને કોઈ નુકસાન થયું નથી. અમે નીતિઓ અને પ્રોટોકોલ મુજબ અદાણીમાં રોકાણ કર્યું છે. કંપનીના શેરના ભાવ નીચા હતા, ત્યારે અમે રોકાણ કર્યું અને જેમ જેમ ભાવ વધવા લાગ્યા, અમને રોકાણનો લાભ મળ્યો છે.
LIC માં 13 લાખ વીમા એજન્ટ કાર્યરત
આંતરિક પ્રોટોકોલ અને નિયમનને ધ્યાનમાં રાખીને અદાણીમાં રોકાણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, LIC દેશની સૌથી મોટી વીમા કંપની છે. તેના 13 લાખ વીમા એજન્ટ કાર્યરત છે. તેમણે કહ્યું કે એજન્ટની સંખ્યા હજુ વધારવાની જરૂરિયાત છે જેથી દેશમાં કવરેજ વધારી શકાય અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકાય.