Skip to content
રવિવાર, નવેમ્બર 22, 2026 Ahmedabad 28°C

ગુજરાતના ૮ શહેરો સહિત સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન પૂર્ણતાના આરે : ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

ગુજરાતના ૮ શહેરો સહિત સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન પૂર્ણતાના આરે : ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં GIDBની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અંગે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ.

ગુજરાતના ૮ શહેરો માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન અને સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે પૂર્ણ થવાના તબક્કામાં છે. આ માસ્ટર પ્લાન પરિપૂર્ણ થતાં ઉદ્યોગો માટે માલસામાનના પરિવહનની જરૂરિયાતને ઓળખીને તેમાં સુધારો કરવાની સાથે સાથે શેલ્ફ ઓફ પ્રોજેક્ટને તૈયાર કરવામાં મદદરૂપ પણ થશે, તેમ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે GIDBની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું.

ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ-GIDBની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ સહિતની વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા અમલમાં મુકવામાં આવતા મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સ કે જેમનું મૂલ્ય રૂ. ૫૦૦ કરોડથી વધુ હોય, તેમને લગતા મુદ્દાઓ અંગે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ મોનિટરિંગ ગ્રુપ મિકેનિઝમ હેઠળ સમીક્ષા કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત રાજ્ય સરકારની નોડલ ઓફિસ તરીકે GIDB આ તમામ મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવવા માટે સક્રિય ભૂમિકા ભજવે છે.

આ બેઠકમાં મંત્રી રાજપૂતે GIDBના ઉચ્ચ અધિકારીઓને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ એમ કુલ ૮ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન ઝડપથી પૂર્ણ કરવા અને Unified Logistics Interface Platform-ULIP ડેટાબેઝ બનાવવા પર ભાર મૂક્યો હતો. વધુમાં, મંત્રીએ અધિકારીઓને Logistics Ease Across Different States-LEADS સર્વેમાં આગળ રહેવાના પ્રયાસો ચાલુ રાખવા પણ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત@૨૦૪૭’ના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત પણ કદમથી કદમ મિલાવીને સહભાગી થઈ રહ્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કુશળ નેતૃત્વમાં ‘વિકસિત ગુજરાત’ના વિઝનને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર હસ્તક GIDB ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ કોસ્ટ ઘટાડવા, માળખાગત સુવિધાઓના વિકાસ તેમજ મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ અસરકારક રીતે કરી રહી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ સમીક્ષા બેઠકમાં GIDBના મુખ્ય કારોબારી અધિકારી પી. સ્વરૂપે પીએમ ગતિશક્તિ ગુજરાત, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા માટેની પહેલનું આયોજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે પ્રોજેક્ટ મોનિટરિંગ એક્ટિવિટીઝ અને SIRના વિકાસની સ્થિતિ સહિતની વિગતો વિશે મંત્રીને માહિતગાર કર્યા હતા.

જીગર બારોટ

Filed under Gandhinagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.