Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

કોડીનયુક્ત દવાઓના ગેરકાયદેસર વેપાર સામે ગુજરાતમાં મોટી કાર્યવાહી, બાલાજી ફાર્માનો ₹83 લાખથી વધુનો જથ્થો જપ્ત

કોડીનયુક્ત દવાઓના ગેરકાયદેસર વેપાર સામે ગુજરાતમાં મોટી કાર્યવાહી, બાલાજી ફાર્માનો ₹83 લાખથી વધુનો જથ્થો જપ્ત

ગુજરાતમાં કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ, અનધિકૃત સંગ્રહ અને વેચાણ સામે રાજ્યના આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આપવામાં આવેલી સૂચનાઓ બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન અમદાવાદ ગ્રામ્યમાં આવેલી બાલાજી ફાર્મામાંથી અંદાજે ₹83.07 લાખની કિંમતનો કોડીનયુક્ત દવાઓનો મોટો જથ્થો શોધી તેને વધુ વેચાણ કે ઉપયોગ ન થાય તે માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત તપાસ દરમિયાન વિવિધ પેઢીઓમાં નિયમો સંબંધિત ક્ષતિઓ સામે આવતા કુલ 7 પેઢીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે, જ્યારે એક પેઢીનો દવા વેચાણનો પરવાનો રદ કરવામાં આવ્યો છે.

કોડીન દવાઓના ગેરઉપયોગ સામે ઝીરો ટોલરન્સ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે કોડીન ઘટક ધરાવતી દવાઓનો ગેરકાયદેસર સંગ્રહ, અનધિકૃત વેચાણ અને ગેરઉપયોગ અટકાવવા રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સની નીતિ સાથે કાર્યવાહી કરી રહી છે.

તેમણે જણાવ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરનારી પેઢીઓ સામે લાગુ કાયદા અને નિયમો અનુસાર કડક પગલાં લેવામાં આવશે. જનતાના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોડીનયુક્ત દવાઓનો ઉપયોગ માત્ર માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન અને કાયદેસર પ્રક્રિયા દ્વારા જ થાય તે સુનિશ્ચિત કરવા રાજ્યભરમાં તપાસ અને દેખરેખ સતત ચાલુ રહેશે.

બાલાજી ફાર્મામાંથી 37,762 બોટલ મળી

વિશેષ ડ્રાઇવ દરમિયાન અમદાવાદ ગ્રામ્યમાં આવેલી બાલાજી ફાર્માની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેઢીના હાજર સ્ટોકમાંથી કોડીન ઘટક ધરાવતી Rexton-T Syrupની કુલ 37,762 બોટલ મળી આવી હતી.

આ જથ્થાની કુલ અંદાજિત કિંમત ₹83,07,640 હોવાનું તંત્રએ જણાવ્યું છે. દવાઓનો વધુ ઉપયોગ અથવા વેચાણ ન થાય તે માટે આ સમગ્ર જથ્થા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નિયત પ્રક્રિયા મુજબ Rexton-T Syrupનો નમૂનો પણ પૃથ્થકરણ માટે લેવામાં આવ્યો છે. પેઢીના ખરીદ-વેચાણના રેકોર્ડ તપાસતા તે મુખ્યત્વે કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરતી હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન સામે આવેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.

હેલ્થ પોઇન્ટ ફાર્માનો દવા વેચાણ પરવાનો રદ

હેલ્થ પોઇન્ટ ફાર્મામાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન વિવિધ નિયમનકારી ક્ષતિઓ જોવા મળી હતી. તંત્ર દ્વારા પેઢીને અગાઉ કારણદર્શક નોટિસ પાઠવી જવાબ માંગવામાં આવ્યો હતો.

પરંતુ પેઢી દ્વારા આપવામાં આવેલો ખુલાસો સંતોષકારક ન જણાતા તેનો દવા વેચાણનો પરવાનો રદ કરવામાં આવ્યો છે.

ચાંગોદર અને સાંતેજમાં પણ તપાસ

અમદાવાદ ગ્રામ્યના ચાંગોદરમાં આવેલી ફાર્માલિન લાઇફસાયન્સિસ ખાતે દવાઓના ખરીદ-વેચાણના બિલ તેમજ અન્ય રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવેલી ક્ષતિઓ અંગે કંપનીને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

સાંતેજમાં આવેલી રેઇન રેમેડીઝ ખાતે પણ કોડીન ઘટક ધરાવતી દવાઓના ખરીદ-વેચાણ સંબંધિત બિલ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. અહીં પણ કેટલીક ક્ષતિઓ સામે આવતા પેઢી પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.

વિસનગરમાં કેપિટલ ફાર્માની તપાસ

વિસનગરમાં આવેલી કેપિટલ ફાર્માની તપાસ દરમિયાન પેઢી મુખ્યત્વે કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરતી હોવાનું જાણવા મળ્યું હતું.

ખરીદ-વેચાણના બિલ અને અન્ય રેકોર્ડની ચકાસણી દરમિયાન ક્ષતિઓ સામે આવતા પેઢીને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.

HRDM ગ્લોબલ સોલ્યુશન્સને નોટિસ

HRDM ગ્લોબલ સોલ્યુશન્સમાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવેલી ક્ષતિઓના આધારે પેઢીને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સમાંથી કોડીન સિરપનો જથ્થો મળ્યો

જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સ ખાતે તપાસ દરમિયાન કોડીન ઘટક ધરાવતી R Tuss TD Syrupની 57 બોટલ મળી આવી હતી. પ્રતિ બોટલ MRP ₹158 મુજબ આ જથ્થાની અંદાજિત કિંમત ₹9,006 થાય છે.

આ જથ્થાનો વધુ ઉપયોગ અથવા વેચાણ અટકાવવા માટે તેને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ખરીદ-વેચાણના રેકોર્ડની તપાસમાં પેઢી મુખ્યત્વે કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરતી હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં સામે આવેલી ક્ષતિઓ અંગે કારણદર્શક નોટિસ પાઠવી જવાબ માંગવામાં આવ્યો છે.

રાજ્યભરમાં સતત ચાલશે તપાસ

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની આ વિશેષ ઝુંબેશ હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા દવાના હોલસેલ અને રિટેલ વેપારીઓના રેકોર્ડની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

કોડીનયુક્ત દવાઓની ખરીદી, વેચાણ, સંગ્રહ અને વિતરણ નિયમો અનુસાર થાય છે કે નહીં તેની ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર વેચાણ કે ગેરઉપયોગ સામે આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં કાર્યવાહી ચાલુ રહેશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.