અમેરિકાની ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ અન્ય આંતરરાષ્ટ્રીય તપાસ અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને હત્યા, અપહરણ, ખંડણી, ડ્રગ્સ તસ્કરી અને હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કથિત આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાહિત નેટવર્ક વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે.
‘ઑપરેશન હાર્ડ બૉલ’ નામથી હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં અમેરિકા, કેનેડા અને યુરોપના અનેક સ્થળોએ સક્રિય ક્રાઇમ નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ તપાસ ઘણા વર્ષોથી ચાલી રહી હતી અને તાજેતરમાં વિવિધ દેશોમાં એકસાથે દરોડા તથા ધરપકડની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કેસમાં ભારત સાથે સંબંધિત ત્રણ અલગ-અલગ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગ્રુપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં લૉરેન્સ બિશ્નોઈ સિન્ડિકેટ, જગ્ગુ ભગવનપુરિયા ગ્રુપ અને કેનેડા આધારિત કથિત ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્કનો સમાવેશ થાય છે.
As part of Operation "Hard Ball," the FBI and our law enforcement partners throughout California, other U.S. cities and in Canada, India and Europe collaborated to execute dozens of search and arrest warrants targeting 37 members of violent transnational organizations who are… pic.twitter.com/WXIOk6vALU
— FBI Los Angeles (@FBILosAngeles) July 7, 2026
37 લોકો આરોપી, 24ની ધરપકડ
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસના જણાવ્યા અનુસાર ત્રણ અલગ-અલગ કેસોમાં કુલ 37 વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા છે. આ પૈકી 24 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવાયું છે, જ્યારે 10 લોકો હજુ ફરાર હોવાનું અધિકારીઓએ કહ્યું છે. ફરાર લોકોમાં ગોલ્ડી બરાડનું નામ પણ સામેલ હોવાનું જણાવવામાં આવ્યું છે.
કેલિફોર્નિયા, ઇન્ડિયાના, જ્યોર્જિયા, કેનેડા અને સ્પેન સહિતના સ્થળોએ ધરપકડ અને અન્ય તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું અમેરિકી એજન્સીઓએ જણાવ્યું છે.
લૉરેન્સ બિશ્નોઈ હાલમાં ભારતની જેલમાં બંધ છે, જ્યારે તેના સાગરિત તરીકે ઓળખાતા ગોલ્ડી બરાડને અમેરિકી દસ્તાવેજોમાં લૉરેન્સ બિશ્નોઈ સિન્ડિકેટના ઉત્તર અમેરિકાના મુખ્ય સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યો હોવાનો દાવો છે.
નિજ્જર હત્યા કેસમાં લૉરેન્સ અને ગોલ્ડી બરાડ પર ગંભીર આરોપ
જૂન 2023માં કેનેડાના સરે શહેરમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે અમેરિકી આરોપપત્રમાં આ હત્યાકાંડના સંદર્ભમાં લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
અમેરિકી આરોપો અનુસાર લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડે નિજ્જરની હત્યાના કથિત આદેશ આપ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ આરોપો હજુ ન્યાયિક પ્રક્રિયાનો વિષય છે.
લૉરેન્સ પર એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે તે ભારતની જેલમાં હોવા છતાં કોન્ટ્રાબેન્ડ મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ આધારિત કમ્યુનિકેશન ડિવાઇસનો ઉપયોગ કરીને કથિત રીતે આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક સાથે સંપર્કમાં રહેતો હતો. આરોપપત્ર મુજબ આ નેટવર્ક પર હત્યા, ખંડણી, ડ્રગ્સ ટ્રાફિકિંગ, હ્યુમન સ્મગલિંગ અને અન્ય સંગઠિત ગુનાઓ ચલાવવાના આરોપો છે.
Goldy Brar, accused in Nijjar killing, now on FBI's most wanted list: pic.twitter.com/Yf4jEJY817
— Sidhant Sibal (@sidhant) July 8, 2026
ગોલ્ડી બરાડ ઉત્તર અમેરિકાનો લીડર, રોહિત ગોદારા યુરોપની કમાન સંભાળતો હોવાનો દાવો
અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર ગોલ્ડી બરાડને લૉરેન્સ બિશ્નોઈ સિન્ડિકેટનો ઉત્તર અમેરિકાનો મુખ્ય નેતા અથવા સંચાલક ગણાવવામાં આવ્યો છે. જ્યારે રોહિત ગોદારા પર યુરોપમાં કથિત રીતે ગેંગનું નેટવર્ક સંભાળવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. રોહિત ગોદારાનું નામ ભારતમાં પણ અનેક ગુનાહિત કેસોમાં સામે આવી ચૂક્યું છે.
ગોલ્ડી બરાડ હાલ ફરાર હોવાનું જણાવાયું છે અને તેની ધરપકડ માટે ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
જગ્ગુ ભગવનપુરિયા ગ્રુપ પર પણ ગંભીર આરોપ
બીજો કેસ જગ્ગુ ભગવનપુરિયા ગ્રુપ સાથે સંબંધિત હોવાનું જણાવાયું છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર આ કથિત ક્રાઇમ નેટવર્ક અમેરિકા, કેનેડા, બ્રિટન, યુરોપ, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સુધી સક્રિય હતું.
આ ગ્રુપ પર હત્યા, અપહરણ, ખંડણી, ડ્રગ્સ સ્મગલિંગ અને અન્ય સંગઠિત ગુનાઓમાં સંડોવણીના આરોપો મૂકવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓ માને છે કે આવા ક્રાઇમ સિન્ડિકેટ અલગ-અલગ દેશોમાં રહેલા સાગરિતો, સ્થાનિક ગેંગ અને ડ્રગ્સ સપ્લાય નેટવર્કની મદદથી પોતાની કામગીરી ચલાવતા હતા.
ત્રીજો કેસ કેનેડા આધારિત ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલો
ત્રીજો ગુનો કેનેડા આધારિત મોટા ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક સાથે સંબંધિત હોવાનું જણાવવામાં આવ્યું છે. આ નેટવર્કનો કથિત લીડર રવિન્દર સિંઘ ઢાંડા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. તેની સાથે અન્ય અનેક લોકોના નામ પણ તપાસ અને આરોપપત્રમાં સામેલ હોવાનું કહેવાય છે.
આ નેટવર્ક પર દર અઠવાડિયે અમેરિકાથી કેનેડામાં સેંકડો કિલોગ્રામ કોકેનની તસ્કરી કરવાનો ગંભીર આરોપ છે.
એક હજાર કિલો કોકેન, હેરોઇન અને હથિયારો જપ્ત
તાજેતરની કાર્યવાહીમાં તપાસ એજન્સીઓએ મોટા પ્રમાણમાં ડ્રગ્સ, હથિયારો અને રોકડ રકમ કબજે કરી હોવાનું જણાવ્યું છે. અધિકારીઓના દાવા મુજબ અંદાજે 1,000 કિલોગ્રામ કોકેન અને એક કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 12 હથિયારો અને આશરે 40 હજાર અમેરિકી ડૉલરની રોકડ રકમ પણ કબજે કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ જપ્તીથી તપાસ એજન્સીઓ એવો દાવો કરી રહી છે કે નેટવર્ક મોટા પાયે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સપ્લાય અને સંગઠિત ગુનાઓ સાથે સંકળાયેલું હતું.
અનેક દેશોની એજન્સીઓએ સંયુક્ત રીતે પાર પાડ્યું ઑપરેશન
‘ઑપરેશન હાર્ડ બૉલ’માં FBI ઉપરાંત લોસ એન્જલસ પોલીસ, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ અને યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન સહિત અનેક એજન્સીઓ જોડાઈ હતી. ઉત્તર અમેરિકા અને યુરોપની અન્ય તપાસ તથા કાયદો-વ્યવસ્થા એજન્સીઓએ પણ આ કાર્યવાહીમાં સહયોગ આપ્યો હોવાનું અમેરિકી અધિકારીઓએ જણાવ્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા સંગઠિત ગુનાહિત નેટવર્ક વિરુદ્ધ જુદા-જુદા દેશોની એજન્સીઓએ ગુપ્ત માહિતી, સર્વેલન્સ અને સંયુક્ત તપાસના આધારે કાર્યવાહી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel