અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ફરી એકવાર ભડકી ઉઠ્યો છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ત્રણ વ્યાપારી જહાજો પર હુમલા થયા બાદ અમેરિકાએ ઈરાન વિરુદ્ધ નવા અને મોટા પાયે સૈન્ય હુમલા શરૂ કર્યા છે. જવાબમાં ઈરાને પણ બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવી મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે.
આ નવા સામસામા હુમલાઓને કારણે અમેરિકા અને ઈરાન વચ્ચેનો નાજુક યુદ્ધવિરામ અને તાજેતરમાં શરૂ થયેલી શાંતિ પ્રક્રિયા ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે. સમગ્ર ખાડી વિસ્તારમાં ફરી વ્યાપક યુદ્ધ ફાટી નીકળવાની આશંકા વધી છે.
હોર્મુઝમાં ત્રણ જહાજો પર હુમલા બાદ અમેરિકાનો મોટો જવાબ
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ CENTCOMના જણાવ્યા અનુસાર, ઈરાન દ્વારા સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા ત્રણ વ્યાપારી જહાજોને નિશાન બનાવવામાં આવ્યા બાદ 7 જુલાઈએ નવી સૈન્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
CENTCOMએ હુમલાનો ભોગ બનેલા જહાજોની ઓળખ M/T Al Rekayyat, M/T Wedyan અને M/T Cyprus Prosperity તરીકે કરી છે. અમેરિકાએ આ હુમલાઓને યુદ્ધવિરામનું “સ્પષ્ટ અને ખતરનાક ઉલ્લંઘન” ગણાવ્યું છે. જોકે ઈરાને જહાજો પરના હુમલાની સીધી જવાબદારી જાહેર રીતે સ્વીકારી નથી. કતારે તેના LNG ટેન્કર પર થયેલા હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે.
Major MOU Violations by the US:
Violating Iranian adjustments in the Strait
Persistent threats of further strikes
Reinstating oil sanctions
Attacks on southern Iran
Continued Zionist aggression on🇱🇧
The era of bullying and extortion is over. It leads nowhere. We don’t fold.
— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) July 8, 2026
ઈરાનના 80થી વધુ ઠેકાણાં પર US સ્ટ્રાઇક્સ
અમેરિકી સૈન્યના જણાવ્યા અનુસાર ઈરાનમાં 80થી વધુ લક્ષ્યો પર પ્રિસિઝન સ્ટ્રાઇક્સ કરવામાં આવી હતી. આ હુમલાઓમાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ નેટવર્ક, દરિયાકાંઠાની રડાર સાઇટ્સ અને એન્ટી-શિપ મિસાઈલ ક્ષમતાઓને નિશાન બનાવવામાં આવી હતી.
આ ઉપરાંત સ્ટ્રેટ ઑફ હોર્મુઝ અને તેની આસપાસ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGCની 60થી વધુ નાની બોટ પર પણ હુમલા કરવામાં આવ્યા હોવાનું CENTCOMએ જણાવ્યું છે.
અમેરિકાનો દાવો છે કે આ સમગ્ર કાર્યવાહીનો હેતુ આંતરરાષ્ટ્રીય વેપારી જહાજો પર હુમલા કરવાની ઈરાનની ક્ષમતાને નબળી પાડવાનો હતો.
બંદર અબ્બાસ સહિત અનેક વિસ્તારોમાં વિસ્ફોટ
અમેરિકી હુમલાઓ બાદ ઈરાનના દક્ષિણ વિસ્તારમાં અનેક વિસ્ફોટોના અહેવાલ સામે આવ્યા હતા. ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર બંદર અબ્બાસ, સિરિક, કેશ્મ આઇલેન્ડ અને ખારગ આઇલેન્ડ સહિતના વિસ્તારોમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા.
સિરિકમાં એક વ્યાપારી જેટી નજીક હુમલાના કારણે કેટલાક લોકો શ્રેપનલથી ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. કેટલાક માછીમારીના સ્થળો અને બોટને પણ નુકસાન થયું હોવાનું જણાવાયું છે. જોકે અમેરિકી CENTCOMના સત્તાવાર નિવેદનમાં ખારગ આઇલેન્ડને નિશાન બનાવ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ઈરાનનો વળતો પ્રહાર, બહેરીન અને કુવૈતમાં હુમલા
અમેરિકી હુમલાના થોડા કલાકો બાદ ઈરાને વળતી કાર્યવાહી શરૂ કરી હતી. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે.
બહેરીનમાં અમેરિકી નૌકાદળની 5th Fleetનું મુખ્યાલય આવેલું છે, જ્યારે કુવૈતમાં પણ અમેરિકી સૈન્યની મહત્વપૂર્ણ હાજરી છે. હુમલાના જોખમને પગલે બંને દેશોમાં એર રેડ સાયરન વગાડવામાં આવ્યા હતા અને એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી હતી.
કુવૈતમાં આવનારા હવાઈ ખતરાઓ સામે એર ડિફેન્સ કાર્યવાહી કરવામાં આવી હતી. બહેરીનમાં પણ એકથી વધુ વખત એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
‘દરેક હુમલાનો જવાબ આપીશું’, ઈરાનની ચેતવણી
ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડે અમેરિકી હુમલાઓને “આક્રમણ” ગણાવીને તેનો જોરદાર જવાબ આપવાની ચેતવણી આપી છે. તેહરાનનું કહેવું છે કે અમેરિકા સ્ટ્રેટ ઑફ હોર્મુઝની વ્યવસ્થામાં દખલ કરી શકશે નહીં.
બીજી તરફ અમેરિકાનું કહેવું છે કે ઈરાન દ્વારા વ્યાપારી જહાજો પર હુમલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન છે અને કરારનું પાલન નહીં થાય તો જવાબી કાર્યવાહી માટે અમેરિકી સૈન્ય તૈયાર રહેશે.
ઈરાનને આર્થિક મોરચે પણ અમેરિકાનો મોટો ઝટકો
સૈન્ય કાર્યવાહી સાથે અમેરિકાએ ઈરાન પર આર્થિક દબાણ પણ વધાર્યું છે. વૉશિંગ્ટને ઈરાનને આંતરરાષ્ટ્રીય બજારમાં ખુલ્લેઆમ ક્રૂડ ઓઈલ વેચવાની મંજૂરી આપતું વિશેષ લાઇસન્સ પરત ખેંચી લીધું છે.
અમેરિકા-ઈરાન વચ્ચેના વચગાળાના કરાર હેઠળ 22 જૂને ઈરાની ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના વેચાણ માટે સામાન્ય લાઇસન્સ આપવામાં આવ્યું હતું. આ મંજૂરી 21 ઑગસ્ટ સુધી ચાલુ રહેવાની હતી, પરંતુ 7 જુલાઈએ તેને પરત ખેંચવામાં આવી હતી. ઈરાન સાથે સંકળાયેલા વ્યવહારો સમેટવા માટે 17 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
તેલના ભાવમાં 3 ટકાથી વધુનો ઉછાળો
અમેરિકાએ ઈરાનના ઓઈલ વેચાણ માટેની મંજૂરી પાછી ખેંચતાં વૈશ્વિક ઊર્જા બજારમાં તાત્કાલિક અસર જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં 3 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો.
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા માર્ગોમાંથી એક છે. આ વિસ્તારમાં ફરી લશ્કરી તણાવ વધતાં વૈશ્વિક ક્રૂડ ઓઈલ અને LNG સપ્લાયને લઈને ચિંતા વધી છે. હુમલાઓ બાદ કેટલાક ઓઈલ અને ગેસ ટેન્કરોએ હોર્મુઝમાંથી પસાર થવાનો નિર્ણય પણ બદલી નાખ્યો હતો.
ઈરાને જહાજ હુમલાની જવાબદારી સ્વીકારી નથી
અમેરિકા અને CENTCOMએ ત્રણ વ્યાપારી જહાજો પરના હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું છે. કતારે પણ પોતાના LNG ટેન્કર Al Rekayyat પર થયેલા હુમલા માટે ઈરાનને કાનૂની રીતે જવાબદાર ગણાવ્યું છે.
જોકે ઈરાને આ હુમલાની સીધી જવાબદારી સ્વીકારી નથી. તેહરાનનું કહેવું છે કે હોર્મુઝમાં ઈરાન સાથે સંકલન વગરના માર્ગોનો ઉપયોગ કરતા જહાજો માટે જોખમ ઊભું થઈ શકે છે.
આ મુદ્દાને લઈને સ્ટ્રેટ ઑફ હોર્મુઝના નિયંત્રણ અને જહાજોના માર્ગ અંગે અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ વધુ ગંભીર બની રહ્યો છે.
અયોતુલ્લાહ અલી ખામેનેઈની અંતિમવિધિ વચ્ચે ભડક્યો સંઘર્ષ
આ સમગ્ર તણાવ એવા સમયે ફરી ભડક્યો છે જ્યારે ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયોતુલ્લાહ અલી ખામેનેઈની અંતિમવિધિ સંબંધિત કાર્યક્રમો ચાલી રહ્યા છે. 7 જુલાઈએ ઈરાનના પવિત્ર શહેર કોમમાં તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ ઈરાકના નજફમાં પણ સત્તાવાર અંતિમવિધિ કાર્યક્રમ યોજાયો હતો. આ સમયગાળા દરમિયાન તણાવ ઓછો રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ નવા સામસામા હુમલાઓએ સમગ્ર સ્થિતિ બદલી નાખી છે.
ફરી જોખમમાં શાંતિ પ્રક્રિયા
અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક અઠવાડિયાથી તણાવ ઘટાડવા માટે પ્રયાસો ચાલી રહ્યા હતા. જૂનમાં થયેલા વચગાળાના કરાર બાદ હુમલાઓ રોકવા અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ સંબંધિત મુદ્દાઓ પર વધુ વાતચીત કરવા માટે પ્રયાસ શરૂ થયા હતા.
અગાઉ પણ સામસામા હુમલાઓ બાદ બંને પક્ષોએ લશ્કરી કાર્યવાહી રોકવા અને ફરી વાટાઘાટ શરૂ કરવા માટે સહમતી વ્યક્ત કરી હતી. જોકે હવે હોર્મુઝમાં જહાજો પર હુમલા, અમેરિકાની મોટી સૈન્ય કાર્યવાહી અને ઈરાનના જવાબી હુમલાઓએ આ શાંતિ પ્રક્રિયાને ફરી ગંભીર સંકટમાં મૂકી દીધી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel