મંગળવારે કેન્દ્ર સરકારે મંત્રીમંડળની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ નિર્ણયો કર્યા છે, જે દેશના વિકાસ માટે એક મોટા પગલાં માનવામાં આવે છે. આ બેઠકમાં રાજસ્થાનના કોટા-બુંદીમાં એક નવું ગ્રીન ફીલ્ડ એરપોર્ટ બનાવવાનો નિર્ણય લેવાયો છે, જેનો અંદાજીત ખર્ચ ₹1,507 કરોડ રહેશે. કોટા દેશનું એક જાણીતું ઔદ્યોગિક અને શૈક્ષણિક કેન્દ્ર છે, જ્યાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરે છે. ત્યાં હવાઈ સુવિધાની લાંબા સમયથી માંગ હતી, જેને હવે મંજૂરી મળી છે. આ એરપોર્ટ દર વર્ષે અંદાજે 2 મિલિયન મુસાફરોને સંભાળવાની ક્ષમતા ધરાવશે અને સ્થાનિક અર્થતંત્ર, ઉદ્યોગ તથા શિક્ષણ ક્ષેત્રને નવી ગતિ આપશે.
તે જ રીતે, મંત્રીમંડળે ઓડિશાના કટક અને ભુવનેશ્વર જેવા મહત્વપૂર્ણ શહેરી વિસ્તારોને જોડતા 6-લેન એક્સેસ-કંટ્રોલ્ડ રિંગ રોડના નિર્માણને પણ મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ ₹8,307 કરોડ રહેશે અને હાઈબ્રિડ એન્યુઈટી મોડ (HAM) હેઠળ તેનો વિકાસ કરવામાં આવશે. આ માર્ગની લંબાઈ લગભગ 111 કિલોમીટર હશે, જે ભુવનેશ્વર બાયપાસ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ બનશે. હાલના સમયમાં કટક, ભુવનેશ્વર અને ખોરધા જેવા વિસ્તારોમાં ભારે ટ્રાફિકનો બોજ છે, જેના કારણે વાહન વ્યવહારની સમસ્યાઓ અને પ્રદૂષણ વધે છે. નવા રિંગ રોડના નિર્માણથી ભારે વાણિજ્યિક વાહનોને શહેરમાંથી બહાર કાઢવામાં સહાય થશે, જેના પરિણામે ટ્રાફિકનું દબાણ ઘટશે અને શહેરી વિસ્તારોમાં પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.
આ રીતે મંગળવારે મંત્રીમંડળે કુલ ₹9,814 કરોડના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય માત્ર રાજસ્થાન અને ઓડિશાના વિકાસ સુધી મર્યાદિત નથી, પરંતુ આ પ્રદેશોને સમગ્ર દેશના પરિવહન નેટવર્ક સાથે વધુ સારી રીતે જોડશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બેઠક બાદ માહિતી આપતા જણાવ્યું કે આ પ્રોજેક્ટ્સ દેશના ઔદ્યોગિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે એક ગેમ-ચેન્જર સાબિત થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel