Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસમાં ભીષણ આગ, 9નાં મોત; PM મોદીએ કરી વળતરની જાહેરાત

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસમાં ભીષણ આગ, 9નાં મોત; PM મોદીએ કરી વળતરની જાહેરાત

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસવે પર બુધવારે મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મુસાફરોને લઈને જઈ રહેલી AC સ્લીપર બસમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં નવ લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. આગ લાગ્યા બાદ બસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને કેટલાક મુસાફરોએ જીવ બચાવવા બસમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો.

દિલ્હીથી મહોબા જઈ રહી હતી બસ

અહેવાલો અનુસાર, બસ દિલ્હીથી ઉત્તર પ્રદેશના મહોબા તરફ જઈ રહી હતી. બુધવારે રાત્રે આશરે 11 વાગ્યે જેવર નજીક યમુના એક્સપ્રેસવે પર બસમાં આગ લાગી હતી. બસમાં આશરે 35થી 40 મુસાફરો હોવાના અલગ-અલગ અહેવાલો સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં એક મહિલા અને આઠ પુરુષ સામેલ છે.

આગ એટલી ઝડપથી ફેલાઈ કે મુસાફરોને બચવા માટે ખૂબ ઓછો સમય મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. અનેક મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બસમાં આગ કેવી રીતે લાગી?

બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક તપાસમાં AC બસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓએ જણાવ્યું છે કે આગનું વાસ્તવિક કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વ્યક્ત કર્યો શોક

યમુના એક્સપ્રેસવે પર થયેલી આ દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી.

PM મોદીએ ₹2 લાખની સહાય જાહેર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગ્રેટર નોઈડાની બસ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાની સાથે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી છે.

વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી પ્રત્યેક મૃતકના નજીકના પરિવારજનને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

CM યોગી આદિત્યનાથે પણ દુઃખ વ્યક્ત કર્યું

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરીને અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા અને પીડિત પરિવારોને તમામ શક્ય મદદ પૂરી પાડવા સૂચના આપી છે. રાજ્ય સરકાર દ્વારા પણ મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પણ બસમાં આગ

આ દરમિયાન ગુરુવારે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પણ એક ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી. પનવેલ નજીક પુણે તરફ જતી લેનમાં કિલોમીટર 16 પાસે સવારે આશરે 7:55 વાગ્યે બસમાં આગ લાગી હતી.

રાહતની વાત એ છે કે બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈ જાનહાનિના અહેવાલ નથી. પનવેલ અને ખોપોલીની ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું.

હૈદરાબાદમાં 38 મુસાફરોનો આબાદ બચાવ

હૈદરાબાદમાં પણ ગુરુવારે વહેલી સવારે શ્રીશૈલમ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ બસમાં આગ લાગી હતી. કર્મઘાટ હનુમાન મંદિર નજીક બનેલી આ ઘટનાના સમયે બસમાં 38 મુસાફરો સવાર હતા.

ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર તમામ 38 મુસાફરો સુરક્ષિત રહ્યા હતા અને કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. બસમાં ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા છે. ફાયર વિભાગને સવારે આશરે 2:15 વાગ્યે ઘટનાની જાણ થઈ હતી.

એક જ સમયગાળામાં દેશના અલગ-અલગ વિસ્તારોમાં ખાનગી પેસેન્જર બસોમાં આગ લાગવાની ઘટનાઓએ લાંબા અંતરની બસોમાં ફાયર સેફ્ટી, ઇલેક્ટ્રિકલ સિસ્ટમની તપાસ અને ઇમરજન્સી એક્ઝિટ જેવી સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ફરી સવાલ ઊભા કર્યા છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.