આજરોજ સોનગઢ નગરમાં આવેલ એકલ ભવન ખાતે તાપી જિલ્લા ના સાધુ સંતો, ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનો ની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન તાપી જિલ્લામાં આવનાર જગતગુરુ શંકરાચાર્યના પ્રવાસના આયોજનના ભાગરૂપે સંત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
તાપી જિલ્લામાં સનાતન હિન્દુ ધર્મ પ્રથમ આદરણીય અને વંદનીય જગતગુરુ શંકરાચાર્ય ના પ્રવાસ આયોજન ના ભાગ રુપ પ્રથમ બેઠક આજે 30-7-2023 રવિવાર ના રોજ સોનગઢ મુકામે એકલ ભવન ખાતે રાખેલ હતી. જેમાં સમગ્ર બેઠક નું સંચાલન રુદ્રપૂરી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શંકરાચાર્ય જી ના સંયોજક કિર્તીભાઈ ભટ્ટ પણ અમદાવાદ થી આવ્યા હતા. આ સાથે તાપી જિલ્લા ના સાધુ સંતો પૂજારી વગેરે હાજર રહ્યા હતા. બેઠક સવારે ૧૦ વાગ્યે શરુ થઈ અને ૧૨ વાગે પૂર્ણ થઈ હતી. આ બેઠકમાં તાપી જિલ્લાના તમામ તાલુકાઓ માંથી ધાર્મિક આગેવાનો સાથે સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તાપી જિલ્લામાં મોટા પાયે આદિવાસીઓનું લોભ લાલચ આપી ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે સાધુ-સંતો દ્વારા બેઠકમાં કઈ રીતે આદિવાસીઓને પાછા પોતાના ધર્મમાં લાવી શકાય અને ધર્માંતરણ અટકાવી શકાય તે માટે પોત પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. એક સર્વે મુજબ તાપી જિલ્લામાં કુલ ૧૩૬૪ ચર્ચ બનાવવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં કુલ ૫૫૬ ગામો આવેલા છે.
તાપી જિલ્લામાં મોટા પાયે ધર્મ પરિવર્તન ની પ્રવૃત્તિના કારણે કઈ રીતે પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ નામશેષ થતો જઈ રહ્યો છે. અને વિદેશી ધર્મ અપનાવતો થઈ ગયો છે તેની પણ ચિંતા અને વિચારણા કરવામાં આવી હતી. સાથે જ હિન્દુત્વના નામ પર રાજકારણ કરી સત્તા પ્રાપ્ત કર્યા પછી કઈ રીતે કેટલાક નેતાઓ રંગ બદલી લેતા હોય છે એના પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
આવનાર સમયમાં તાપી જિલ્લાના ગામડે ગામડે સુધી ધર્મ રક્ષાના વિચારો અને ધર્મ જાગરણ સમન્વય સમિતિની રચના કરવામાં આવશે. આ માટે પ્રયત્નો કરવા આયોજન કરવામાં આવ્યું હતું.અંતે સર્વ માનવ સમાજનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી અને હનુમાનચાલીસા ગાઈ ને બેઠક પૂર્ણ કરવામાં આવી હતી.